અલ્યા કોણ વાંચશે ?
હા, જેને લખતાં જ નથી આવડતું તેનું લખેલું કોણ વાંચશે ?
અલ્યા, જેની સાત પેઢીમાં કોઈને’ય નાનું અમથું સાહિત્ય સર્જનનું કયારેય સ્વપ્નું પણ નથી આવ્યું અને જેને પાંચ કે દસ લીટીની ટચુકડી વાર્તા સુદ્ધાં પણ નથી એ સીધી નવલકથાની નિસરણી ચડી ગયો અને એ પણ પાછુ ઊંધું માથું ઘાલીને ?
અને અંગત મિત્રો તો કહેતા પણ ખરા કે, ભાઈ તું આ સાપ પકડવાનો ધંધો રેવા દે.
એ ભલેને... કહે. આપણે ઓલા.. ઘરના ભુવાને ઘરના ડાકલા જેવું કરીશું બીજું શું.
પંચની સાક્ષી જેવા પાંચ મિત્રો તો મારું લખેલું વાંચશે જ ને ?
મારે લખવું હતું પણ... માત્ર લખવા ખાતર નહીં... વાંચવા લાયક લખવું હતું.
નવરા બેઠા એક દી ફેંક્યો પડકાર પંડને..
ભાષાનું જ્ઞાન, ભાષા શુદ્ધિ, વ્યાકરણ કે ભાષા પ્રત્યેની સભાનતા આમાંનું કઈ ન મળે.( ખાનગીમાં કહું તો આજે પણ નથી )
છતાં જેટલી ગતાગમ પડી.. એટલી ગાડી દોડાવી....
૨૬ એપ્રિલ ૨૦૨૦, અખાત્રીજના પાવન દિવસે...લેખનકાર્યની... પહેલી ફલશ્રુતિ. જેનું તમામ સોશિયલ મીડિયા પર સાર્વજનિક કરવાનું દુસાહસ કર્યું હતું એ હતી
૨૫૦ પાનાની, એક મહિનામાં પૂરી કરેલી મારી પહેલી નવલકથા...
‘ક્લીનચીટ’
ત્યારે એમ થયું કે જો વધુ નહીં પણ.. માત્ર પચ્ચીસ વાચકો એમ કહે કે, વાંચવા લાયક તો છે.. તો મને એમ હતું કે આપણે સાહિત્યનુ નોબેલ પ્રાઈઝ ઘર ભેગું કરી લીધું..એમ સમજી લેવાનું.
પાસાં ઊંધાં પડ્યા..ને ૨૫ ની પાછળ ત્રણ મીંડા લાગી ગયા.. ૨૫૦૦૦...
એ પછી તો.. બીજા છ મહિનામાં ત્રણ નવલકથા અને બે નવલિકા લખી. માફ કરજો લખી નહી કહું પણ લખાવડાવી...
‘ક્લીનચીટ’ ના વાચકો તરફથી મળેલા પ્રચંડ પ્રતિસાદે
એ પછી આવી મારી બીજી નવલકથા કે જેનું બીજ ‘કલીનચીટ’ પહેલાં રોપાઈ ગયું હતું. એ નવલકથા જે મને ખુદને ખુબ પ્રિય છે.
‘કહીં આગ ના લગ જાયે.’
ત્રીજી.. ‘લાલની રાણીનું આધારકાર્ડ’ અને
ચોથી,..’ હમેં તુમસે પ્યાર ઇતના.’
બે નવલિકા..
‘મૃત્યુનું મધ્યાંતર’ અને
જિંદગી કા નામ દોસ્તી’
આ બધું જ સર્જન સોશિયલ મીડીયા પર ઉપલબ્ધ છે.
હવે જે લખાઈ રહી છે.. તેને વાંચકો સુધી પહોંચતા કદાચને છએક મહિનાનો સમયગાળો લાગશે..
પહેલી, ‘એક ચુટકી સિંદુર કી કિંમત’
બીજી, 'સજના હૈ મુજે સજના કે લિયે.’ અને
ત્રીજી, 'લવ યુ ગાંધારી.’
પાંચ પાઠકની અપેક્ષા સાથે મારા જેવા નવોદિતે સાહસ કરીને ઉપાડેલી કલમ આજે મને ૫૦,૦૦૦ ની સંખ્યાના બોહળા વાચક મિત્રો સુધી લઇ ગઈ ..( પચાસ હજાર એ માત્ર એક જ પ્લેટફોર્મ ના આંકડા છે )
હું લખું છું.
લખી શકવાને સક્ષમ છું અને વાંચવા લાયક લખી રહ્યો છું....
એવા અનેકો અનેક દરેક સોશિયલ મીડિયાના વાચકો તરફથી મળેલા પ્રતિભાવથી એવી પ્રતીતિ થઇ રહી છે કે, જીવતરનો સૌથી મોટો પુરસ્કાર પ્રાપ્ત કરી લીધો હોય.
જે મને મારી આંગળી ઝાલીને અહીં સુધી લઇ આવ્યા એ સૌ, મિત્રો, વડીલો, વાચકો અને શુભેચ્છકોનો અઢળક આભાર... અને નત મસ્તક સાથે વંદન.
બસ.. આ રીતે આજીવન લખવાગ્રસ્ત રહું એવા આશીર્વાદની અભિલાષા સાથે વિરમું.
વિશેષ આભાર
Namrata Patel
Poornima Shah
-વિજય રાવલ.