ફૂલો સાથે પહેલેથી જ લગાવ રહ્યો છે. એનો રંગ, એનો આકાર, એની પાંદડીઓ...! દરેક ફૂલ એની આગવી છટાથી લટકતું હોય છે. કોઇક સૂરજ તરફ આંખો લડાવે છે તો કોઇક શરમમાં આંખો ઝૂકાવી લચકી પડે છે. નવી ખીલતી નાજૂક કળી કાચી કૂમારિકા સમી લાગે છે. બગીચામાં ફરતું કોઇ કપલ એને ચૂંટી કાઢશે એ બીકે અમૂક ફૂલો પાંદડીઓમાં પોતાને છૂપાવવાં મથી રહ્યાં હોય. કેવું મજ્જાથી ડાળી પર ટીંગાયેલું હોય એમાં એને કોઇક તોડી લે તો સાલું લાગી આવે. એનાં પર ફરકતાં પતંગિયા મધુરસ તો પી લે છે પણ એને તોડ્યા વગર એની શોભામાં વધારો પણ કરી આપે છે. ખબર નહીં માણસ જાત ક્યારે પરિપકવ બનશે !