Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
Prem_222:
#ભાઈ
#જોગડો_વણકર
#ઝવેરચંદ_મેઘાણી
ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેળા આવી પડી. આાયર મરી ગયા, અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરાં રીડિયારમણ કરવા મંડ્યાં. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ એાથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી : “બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું.”
મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયાળે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો, પણ ભાઈને તે કળજુગે ઘેરી લીધેા હતો. “આ લેણિયાત ક્યાંથી આવી?” એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું . બહેને આઘેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈ એ પણ મોમાંથી “આવો” એટલું ન કહ્યું. નેવાં ઝાલીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું :
“ભાભી ! મારો ભાઈ ક્યાં ગયો ?”
“તમારા ભાઈ તો કાલ્યુંના ગામતરે ગયા છે.”
ધરતી મારગ આપે તો સમાઈ જાવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે : “ રોટલા ખાવા તો રોકાઓ.”
“ભાભી! હસીને જો સોમલ દીધું હોત તોય પી જાત.” એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યો. બોર બોર જેવાં પાણીડાં પાડતી ચાલી જાય છે. ઝાંપા બહાર હરીજનવાસ છે. માથે લીંબડાની ઘટા ઝળુંબી રહી છે ને છીંક આવે એવા ચેાખ્ખાફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો વણકર બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી એાળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફર્યો;
પૂછ્યું :
“કાં, બાપ, આમ રોતી કાં જા ?”
“જોગડા ભાઈ ! મારે માથે દુ:ખના ડુંગરા થયા છે; પણ દુ:ખ મને રોવરાવતું નથી, મારો માનો જાયો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે.”
“અરે, ગાંડી, એમાં શું રોવા બેઠી ? હુંય તારો ભાઈ છું ના ! ઊઠ, હાલ્ય મારી સાથે.”
જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું; રોકડી ખરચી આપી, પોતાના છોકરાને કહ્યું : “બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને આ દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે.”
ગાડું જોડીને છોકરો કુઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારનાં સાચજૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માજાયો મળ્યો. અંતરમાંથી સંસારનાં ઝેર ઊતરી ગયાં. બહેન ગયા પછી જોગડાની ઘરવાળી આવીને બોલી : “ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જાશે.”
"કેમ?"
“જુઓ, ભગત ! છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે, તો તે ગાડું ને બળદ એની ફુઈને આપીને આવશે; અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું-બળદ પાછાં લાવશે.”
“અરે, મૂરખી ! એવા તે વદાડ હોય ! એ છોકરું, બાપડો એવી વાતમાં શું સમજે ? એ તો મોટેરાંએ કહ્યું હોય એટલું જ કરે ને ? અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે ?
ભગત, જો શીખવવું કે કહેવું પડે, તો પછી નવ મહિના ભાર વેંઢાર્યો તેનું મા'તમ શું ?
બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો.
-ઝવેરચંદ મેઘાણી
સૌજન્ય : Kitaab kehti hai