માધવસિંહ સોલંકી
ગાંધીનગરમાં રાતના ત્રણ વાગવા આવ્યા હતા. આ શહેર આમ પણ સાંજે છ પછી તો જંપી જાય છે. રાતના ત્રણે તો સાવ સન્નાટો હતો. ત્યાં સીએમ હાઉસના દરવાજાની ઘંટડી રણકી. મિટિંગ્સ અને ફાઇલો પતાવી સીએમ સૂવાની તૈયારીમાં હતા. ત્રણ ઘંટડી વાગતા સીએમે વિચાર્યું કે સહાયકો સૂઈ ગયા હશે. એમણે જાતે ઊઠીને દરવાજો ખોલ્યો. દરવાજે એક વૃદ્ધ ઊભા હતા. એમને આવકાર્યા અને આટલા મોડા આવવાનું કારણ પૂછ્યું.
વૃદ્ધે કહ્યું, મહેસાણાથી નીકળીને મુંબઈ જવા અમદાવાદ રેલ્વે સ્ટેશને ગયો પણ ટ્રેન ત્રણ કલાક મોડી છે. ત્રણ કલાક ક્યાં કાઢવા, થયું તમને મળીને સુખ- દુખની વાતો કરું! સીએમે એ વૃદ્ધને બેસાડીને જાતે પાણી આપ્યું અને શાંતિથી એમની વાતો સાંભળી. ટ્રેનનો સમય થતા વૃદ્ધ ગયા અને સીએમ પથારી ભેગા થયા.
માનવામાં ન આવે એવી આ વાત નવી પેઢી એ જેમને કદીયે ટીવી પર જોયા નથી એવા ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીની છે. આ વાત તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહી હતી.
માધવસિંહ ૩૦મી જુલાઈએ ઉંમરના 93 વર્ષ પૂરા કરી, 94માં વર્ષમાં પ્રવેશે છે. આમ તો દર વર્ષે એમની વર્ષગાંઠ ગાંધીનગરનાં સર્કિટહાઉસમાં ઉજવાય છે. સત્તા ગયાના ત્રણ દાયકા પછી પણ ગુજરાતભરમાંથી એમના સમર્થકો આ એક દિવસે એમના નેતાને મળવા આવે પડે છે.
જોકે, આ વખતે કોરોનાને કારણે આ કાર્યક્રમ બંધ રહ્યો. માધવસિંહ સોલંકીએ પોતે એક વીડિયો સંદેશમાં બે દિવસ અગાઉ કહ્યું કે કોઈ મળવા આવશો નહીં અને ફોન નહીં કરો તો પણ ચાલશે. કોરોનાના ટાઇમમાં સૌ સ્વસ્થ રહો.
ગાંધીનગરના સેક્ટર 9ના બેઠા ઘાટના સરકારી નહીં પણ એક ખાનગી સાદા પણ કલાત્મક બંગલામાં રહેતા એ એકાકી વૃદ્ધને તમે મળો, તો ભાગ્યે જ કલ્પી શકો કે, આ માણસ ચાર-ચાર વખત યાને કે 1973-1975-1982-1985માં ગુજરાતના મુખ્ય મંત્રી હતા.
ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો એમનો રેકર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા.