તમારી યાદ આવી! તો તમારા વાંક શું ગણવા?
બધી બારી અમે ખોલી, હવાના વાંક શું ગણવા!
દુવાઓના ભરોસે, વૈદ્ય સાથે દુશ્મની કીધી,
એને આપી જ નહિ,એમાં દવાના વાંક શું ગણવા?
એતો સરખા જ સાંચે ને ધીમી આંચે પકાવે છે,
બગાડે મૂરતિ ખુદને, કલાના વાંક શું ગણવા?
જરા ભટક્યા, દિશા કાજે અમે તે જોઈને ચાલ્યા,
પવન ફરતો રહ્યો કાયમ,ધજાના વાંક શું ગણવા!
નિરંતર જ્યાં કર્યા અપરાધ; માનવતા જરા ભૂલ્યા,
પછી ઈશ્વરની આપેલી સજાના વાંક શું ગણવા?
તમે વર્ષા બની આવ્યાં, અમે છતરીમાં સંતાયા!
પછી કોરા જ રહી ગ્યા તો તમારા વાંક શું ગણવા?
ભાવેશ પરમાર 'આર્યમ્'