હાર કે બાદ હી જીત હૈ...
'મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત.’
એક નાનકડું વાક્ય પણ જબરજસ્ત મનોબળ વધારી જતું
હોય છે. પરિસ્થિતિ સામે ઝૂકી જવું, શું એ કોઈ સમસ્યાનું સમાધાન છે? મારા મતે તો ના જ. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિ સામે ઝૂકી જાય એ નબળો જ હશે એમ પણ માની લેવું એ ઉચિત નથી જ. પણ ઝૂકવું એ નબળાઈ તો ખરી જ. હા, જ્યાં આવશ્યકતા હોય અથવા તો પોતાના વ્યક્તિને સાચવવા ઝૂકવું પડે તો હજાર વાર ઝૂકવું, મારા માટે એ જ પ્રેમની ઉદારતા છે. કોઈપણ સમસ્યાની સામે જીતવા મરણતોલ પ્રયાસ કરવા જોઈએ. ફક્ત પ્રાર્થના કરવાથી કંઈ જ નથી મળતું પરિશ્રમ- પ્રયાસ કરવો જ રહ્યો. આમ પણ એક વાત તો સર્વ માન્ય છે કે સંકટની પરાકાષ્ઠા એ જ માણસની ચેતના સૌથી વધુ જાગૃત હોય છે. તો એ સમય ને પારખી લેવું એ જ જીત છે. જીવન સંઘર્ષનું બીજું નામ છે. સમસ્યાઓનો સ્વીકાર કરવાને બદલે એનો સામનો કરી એને પરાસ્ત કરવાથી જ જીવન સુરક્ષિત રાખી શકાય છે. જીવવાની ઈચ્છા તો બધાને હોય છે પણ એના માટે જે લડવું પડે છે એ લડાઈ કોઈએ નથી લડવી. બધાએ સીધું અને સાદું જીવન જીવવું છે. હમણાં ના સમયમાં આપણે જેને "ડિપ્રેશન" કહીએ છીએ પહેલાના જમાનામાં એને "માનસિક તણાવ" કહેતા. વડીલો કહેતા કે તણાવ વધુ ટકતો નથી વાત કરવાથી કે કામ કરવાથી એ દૂર થઈ જાય છે અથવા તો સહેલાઇથી એનો રસ્તો મળે છે. ડિપ્રેશન જેવી અવસ્થા દરેકના જીવનમાં આવે જ છે. તેનો હિંમતથી સામનો કરવો જોઈએ. નાસીપાસ ન થવાય. આત્મહત્યા કે ઘરેથી ભાગી જવું એ કોઈ રસ્તો નથી! મારા મતે તો એ કાયરતા જ છે. હા બધાંના જ જીવનમાં હારની લાગણી થતી હોય છે ત્યારે એને મરી જવાના કે પરિસ્થિતિથી ભાગી જવાના સૌથી પહેલા વિચાર આવે છે. પરંતુ આવા સમયે "ટોકિંગ થેરેપી ઇસ ધ બેસ્ટ થેરેપી" સાયંટીફીકલી પણ સાબિત થયું છે કે, પોતાના મનની વાત બીજા સાથે સહજતાથી કરી દેતા વ્યક્તિઓ ડિપ્રેશનનો ભોગ ભાગ્યે જ બનતા હોય છે. પોતાના મનની વાત પોતાની લાગતી વ્યક્તિ સાથે અચૂક કરો અને એમ ન થાય એવું હોય તો એક કાગળ ઉપર તમારા મનની બધી જ વાત લખી નાખો તમારું હૈયું હળવું થશે પછી એ કાગળ સાચવવા ને બદલે ફાડીને ફેંકી દો એની સાથે તમારી સમસ્યાનો ઉકેલ પણ આવી જશે.
આ મારો સ્વ- અનુભવ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને એ સ્વીકારવું જ રહ્યું. એ પછી હસતાં કે રડતાં. તેથી હસતા બધું સ્વીકારો. તમે મનથી ખુશ હશો તો જ જીવન માણી શકશો નહીં તો આ તાણ અને તણાવ તમારો શારીરિક અને માનસિક ભોગ લીધા વિના નહીં રહે. અને આવું કંઈક અનુભવતાં હો તો ડોક્ટર પાસે જતા ખંચકાટ ન અનુભવો. તમે જ તમારી મદદ કરો અને ખુશ રહો . નેવર લુઝ હોપ!
અહીં મને ફિલ્મ મિ. ઇન્ડિયાના એક ગીતના શબ્દો યાદ આવે છે...
ગમ કા બાદલ જો છાયે તો હમ મસ્કુરાતે રહે,
અપની આંખોં મેં આશાઓ કે દીપ જલાતે રહે,
આજ બિગડે તો કલ ફિર બને,આજ રૂઠે તો કલ ફિર મને;
વક્ત ભી જૈસે એક મીત હૈ,
હાર કે બાદ હી જીત હૈ,જિંદગી કી યહી રીત હૈ.
-કિંજલ દિપેશ પંડ્યા (કુંજદીપ)