😷કોરોના😷
યુદ્ધ ચાલુ છે ઘમાસાણ, આમ અધવચ્ચે તેને રોકો-ના,
હજારો ઘવાયાં કોરોનાથી, તેને લાખોમાં પહોંચતાં રોકો-ના.
સ્વભાવે છો જો બોલકણાં, તો એનો કોઈ વાંધો નથી,
છે સ્વાભાવિક બોલવું તમારૂં,તો માસ્ક પહેરીને બોલો-ના.
હાથોમાં નાખી હાથ વ્હાલમના, જો ફરવા તમે ટેવાયેલ છો,
તો ઘડિયે-પડીયે વ્હાલમ સાથે હાથ તમે પણ ધોવો-ના.
માનવી છે સામાજિક પ્રાણી ,વાત તો એ જગજાહેર છે,
બસ બે-ચાર મહિના સંબંધીઓને મળવા જવાનું છોડો-ના.
મિત્રોને ના મળી શકવાનું એ દુઃખ તો ચોક્કસ અસહ્ય છે,
મિત્રોના જ દીર્ઘ આયુષ્ય સારૂ,તમે વિરહનું વિષ પીવો-ના.
મંગળ પર જઇ આવ્યાં તમે, ને ચંદ્ર ઉપર પણ મારી લટાર,
પૃથ્વીના જીવો કાજે વૈદ્યો, કોઇ ઈલાજ તો આનો શોધો-ના.
"નિર્દોષ" કોરોના જો હોય અગર, જરાસંઘના રૂપે તો,
ઘરમાં રહીને કૃષ્ણની જેમ, રણ તમે પણ છોડો-ના.
✍️-મયુર દેસાઈ "નિર્દોષ"✍️