આજે..... સમી સાંજ ની ઢળતી સંધ્યાએ ગર્ભવતી મમતા હીંચકા ઉપર ઝૂલતી હતી. પરમેશ્વરની શક્તિથી આ સઘળું જગત ચાલે છે, તેવું હીંચતા હીંચતા પેટ પર હાથ રાખીને ગર્ભસ્થ શિશુના અણસાર અને ધબકાર અનુભવી રહી હતી. અચાનક તેને એક અનુભૂતિ થઈ. જાણે ગર્ભમાનું શિશુ તેની સાથે સંવાદ કરી રહ્યું છે.. તેને જાણવાની તાલાવેલી જાગી... તે ગર્ભમાં રહેલા શિશુ સાથે વાતો કરવા લાગી.... બેટા તું દીકરી છે કે દીકરો એની મને ખબર નથી. મારે મન તો બન્ને સમાન જ છે... તું મારા કાળજાનો કટકો છે..
એ તો કહે, " તને કેવું લાગે છે ? તારી દુનિયામાં તું મજામાં તો છોને બેટા."
શિશુને વાચા ફૂટે છે.... " હા માં ! હું તારી ભીતર તારા મમતાના દરિયામાં બહુ જ ખુશ છું... મમતા અત્યંત હર્ષિત થઈ ઝુમી ઉઠે છે. વહાલપની વેલ ને વીંટળાઈ વળે એમ તે પોતાના ગર્ભસ્થ શિશુ સાથે વીંટળાઈ વળે છે. હવે મમતા આગળ પૂછે છે " બેટા તારી કલ્પનાની દુનિયાં કેવી હશે ?" એતો મને જરા કહે ....
ગર્ભસ્થ શિશુ માની ઉત્સુકતા માં વધારો કરે છે..
માં ! મનેતો રંગબેરંગી પતંગિયું બની ઉડવાનું બહુ ગમે છે. તું મારા માટે સુંદર ફૂલોનો બગીચો બનાવજે.. એમાં, ફૂલો ઉપર પતંગિયા ઝૂલશે એ મને બહુ જ ગમશે. બાગમાં મારા માટે સુંદર મોરલા વાળો હીંચકો બંધાવજે... એ હીંચકા ઉપર તારી આ નાનકડી પરી હેતના હીંચકા ઝુલશે..
મમ્મી... હીંચકો એટલો ઊંચો મુકાવજે કે, હું આકાશની પરીઓને જોઈ શકું, ઉડતા વાદળોને સ્પર્શી શકું. ઉગતા સૂરજની સામે મને બેસીને આકાશ નિહાળવું ખૂબ જ ગમે છે... તું મારા માટે એક નાનું ઘર બનાવજે.જેની બારી સૂરજની સામે જ હોય. " આટલું બોલી શિશુ પોતાનો સંવાદ પૂરો કરે છે... માં ના હૃદયમાં મમતા ની હેલી વરસી જાય છે...
બેટા, તું તારી કાલ્પનિક દુનિયાંમાંથી વાસ્તવિક દુનિયાંમાં આવીશ ત્યારે તને આ " ગર્ભ સંવાદ " પત્ર રૂપે આપીશ, જે તારી કલ્પનાને ઉજાગર કરશે...
આમ, મમતાનો શિશુ સાથેનો સંવાદ પૂર્ણ થતાં તે પોતાના ઓરડામાં જવા રવાના થઈ...
- દક્ષાબેન પરમાર
- અમદાવાદ