પુરાણો વાંચવા કરતા પપ્પાને વાંચવા
ને એમની ઇચ્છાઓના થયેલ થપ્પાઓને વાંચવા
પપ્પા એટલે કડવો લીમડો,
લીમડાનાં કાયમ વટાતા પત્તાઓને વાંચવા...પુરાણો
દરેક બાળપણનો ઘોડો એટલે પપ્પા
સ્કુલમાં પિકનિકનો વરઘોડો એટલે પપ્પા
કોલેજનો મિત્ર થોડો એટલે પપ્પા
ને દરેક સમસ્યાનો છેડો એટલે પપ્પા..પુરાણો
પપ્પા એટલે કડવો મીઠો ગુણાકાર
પપ્પા એટલે જશ પરિશ્રમનો ભાગાકાર
પપ્પા એટલે ભારે ભરખમ ગણિત
આ ગણિતના જીવન સિદ્ધાંતોને વાંચવા...પુરાણો
દીકરી ઘરનું હૃદય,ને દીકરો ઘરનું સ્વમાન
મમ્મી ઘરની હિંમત,ને દાદા દાદી જ્ઞાન
પણ આખા ઘરની છત એટલે પપ્પા
દરેક અછતનો વળતો જવાબ એટલે પપ્પા...પુરાણો
- નિર્મિત ઠકકર