જન્મકુંડળી એ જીવનના સુખદુઃખના લેખ છે, વિધિ અને વિધાતાના હસ્તાક્ષર છે. જન્મકુંડળીએ ગ્રહો નિર્દેશિત માનવજીવનનું પ્રતિબિંબ છે. પરંતુ સમગ્ર જીવન દરમિયાન ગ્રહોની અસર એકસરખી રહેતી નથી, અર્થાત ગ્રહોની અસરમાં કાળક્રમે વધારો અને ઘટાડો અનુભવાય છે. બીજા અર્થમાં કોઈ એક ખરાબ યોગ જીવનભર ચાલતો નથી, તો કુંડળીનો શુભ યોગ પણ જીવનમાં હમેશા પ્રકાશતો નથી. ચડતી પછી પડતી અને કર્મનો સિદ્ધાંત પણ જ્યોતિષમાં લાગુ પડે છે. એક રાજનેતા કે ફિલ્મસ્ટાર જે ગ્રહોના બળે સફળ બને છે, તે જ ગ્રહોના આધારે સમય બદલાતા પડતીનો પણ અનુભવ કરે છે.
ગ્રહોનું ફળ અને તેનો અનુભવ ગ્રહોની દશાઓના ક્રમ પર અવલંબે છે. જન્મકુંડળીમાં બળવાન અને શુભ ગ્રહની દશા શુભ સમયનું સૂચન કરે છે જયારે નિર્બળ અને શત્રુ ક્ષેત્રી ગ્રહની દશા અશુભ સમયનો નિર્દેશ કરે છે. તમે તમારી જન્મકુંડળી મુજબ જે ગ્રહની દશામાંથી પસાર થઇ રહ્યા હશો, તે ગ્રહની દશા મુજબ ફળો પ્રાપ્ત થઇ શકે છે.
સૂર્યની મહાદશા
સૂર્યની મહાદશામાં જાતકનું ચિત્ત ઉદ્ધિગ્ન બની રહે છે. તેને પરદેશવાસ, ચોટ, અનેક પ્રકારના કલેશ, ક્ષોભ, ધનનો નાશ, ભાઈ-બંધુઓથી વિયોગ, શત્રુથી ભય વગેરે કષ્ટોનો સામનો કરવો પડે છે.
ચંદ્રની મહાદશા
ચંદ્રની મહાદશામાં જાતકનાં બળ, વીર્ય, પ્રતાપ, સુખ, ધન, ભોજન વગેરેની વૃદ્ધિ થાય છે. તેને મિષ્ટાન્ન-ભોજન, દિવ્ય શૈયા, આસન, છત્ર, વાહન, સુવર્ણ, ભૂમિ તથા અનેક પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
બુધની મહાદશા
બુધની મહાદશામાં જાતકને અનેક પ્રકારના ભોગ, સુખ, ધન, વૈભવ તથા દિવ્ય સ્ત્રીઓની પ્રાપ્તિ થાય છે. તેના આનંદ તથા ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે.
કેતુની મહાદશા
કેતુની મહાદશામાં જાતકને અનેક પ્રકારની આપત્તિ-વિપત્તિ, ભય, રોગ, સંકટ, હાનિ, વિયોગ અને અનર્થો સામે ઝઝૂમવું પડે છે.
શુક્રની મહાદશા
શુક્રની મહાદશામાં જાતકને મિત્રો દ્વારા ઉત્તમ વસ્તુઓની પ્રાપ્તિ, સ્ત્રીઓ દ્વારા વિલાસ, ધન, વાહન, છત્ર, મિલકત-સંપત્તિ વગેરેની પ્રાપ્તિ થાય છે. તેનાં સઘળાં મનોરથો પૂર્ણ અને સફળ થાય છે.
મંગળની મહાદશા
મંગળની મહાદશામાં જાતકને શસ્ત્ર દ્વારા ચોટ, અગ્નિ અથવા રોગોનો ભય, ધનની હાનિ, ચોરી, વ્યવસાયમાં હાનિ, અચાનક આવી પડતાં દુઃખ વગેરેનો સામનો કરવો પડે છે.
રાહુની મહાદશા
રાહુની મહાદશામાં જાતકને અતિભ્રમ, સર્વશૂન્ય, વિપત્તિ, કષ્ટ, રોગ, ધનનો નાશ, પ્રિય વ્યક્તિથી વિયોગ, મૃત્યુ સમાન કષ્ટ તથા અન્ય અનેક પ્રકારનાં દુઃખોનો સામનો કરવો પડે.
ગુરુની મહાદશા
ગુરુ એટલે કે બૃહસ્પતિની મહાદશામાં જાતકને રાજા કે સરકાર દ્વારા સન્માન, મિત્ર અને રત્નોનો લાભ, શત્રુઓ પર વિજય, આરોગ્ય, શારીરિક બળ તથા અનેક પ્રકારનાં સુખોનો લાભ થાય છે. તેના સઘળાં મનોરથ પૂર્ણ થાય છે અને સફળતાં મળે છે.
શનિની મહાદશા
શનિની મહાદશામાં જાતકને મિથ્યા અપવાદ, બંધન, આશ્રયનો નાશ, ધન-ધાન્ય અને સ્ત્રીથી દુઃખ, સઘળાં કાર્યોમાં હાનિ તથા નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે.
વિશોત્તરી મહાદશામાં ચંદ્રની ભૂમિકા અને ફળપ્રાપ્તિનો અનુભવ
વિશોત્તરી મહાદશા ચંદ્રના નક્ષત્ર ભોગ પર આધારિત છે, અર્થાત ચંદ્ર જેમ જેમ નક્ષત્રમાં આગળ વધતો જાય તેમ તેમ ક્રમ મુજબ ગ્રહોની દશાઓ ભોગવાતી જાય છે. મુખ્ય બીજ ચંદ્ર છે, દશાઓને માનવીની મનોદશાઓ પણ કહી શકાય. દશાઓ માનવીના મન અને માનસિક અનુભવને બદલે છે.
જયારે ગોચરના ગ્રહો મનુષ્યની આસપાસનું મુખ્યત્વે બાહ્ય વાતાવરણ બદલે છે. મહાદશાઓને માનવ જીવનના અનુભવ અને સુખદુઃખની લાગણીઓ સાથે જોડી છે અને તે આંતરિક જીવનનો અનુભવ છે. શુભ ગ્રહોની મહાદશામાં મન પ્રફુલ્લિત અને સકારાત્મક બને છે.
આત્મવિશ્વાસ વધે છે. નિર્બળ અને અસ્તના ગ્રહોની દશામાં મન સંકુચિત બને છે. મનુષ્યનું મન ગૂંચવાય છે, જીવનમાં બધું હોવા છતાં હમેશા નકારાત્મક વલણ રહે છે.