બધી રીતે એ તમને ખાય છે છોડો તમાકું ને,
તમારું જીવતર રોળાય છે છોડો તમાકું ને.
કશું દેખાય નાં આ મોજ મસ્તીમાં ભલે તમને,
ખરેખર સાવ ઘર ધોવાય છે છોડો તમાકું ને.
નવી પેઢી નવા સંસ્કાર શીખે આપની પાસે,
જુની નું નામ પણ બોળાય છે છોડો તમાકું ને.
નશાને કોણ સમજાવે, બધું પત્થર ઉપર પાણી,
છતાં કોશિશ કરું, સમજાય છે! છોડો તમાકું ને.
ભલે હું આકરો લાગું છતાં સાચું કહું તમને,
મરણ સામું મને દેખાય છે છોડો તમાકું ને.
...પ્રશાંત સોમાણી