#કટાક્ષ
~ નિર્મલ હૃદય નાં સચોત કટાક્ષ ~
દેશના ઘણા મંદિરોમાં "વી.આઈ.પી" ટિકિટો દ્વારા ભગવાનના દર્શન ઝડપી બન્યા છે. આજે ધાર્મિકતામાં પણ મૂડીવાદનો પ્રાદુર્ભાવ થયો છે. ગીતાનું જ્ઞાન પીરસતા કૃષ્ણએ તો અનાસક્તિનો મહિમા ગાયો છે; તો કૃષ્ણના મંદિરમાં ધનની આ પ્રકારની આસક્તિનું કારણ શું હશે ??
આ દેશના કરોડો બાળકોને બે ટાણાનો રોટલો ન મળતો હોય ત્યારે શું પ્રભુને છપ્પન-ભોગની સંતૃપ્તિનો ઓડકાર આવતો હશે ??
કૃષ્ણને દુર્યોધનના છપ્પન-ભોગની કોઈ જ લાલચ ન હોય એને તો વિદુરની કુટિરમાં જઈને પ્રેમનું ભોજન જ ખપે. કૃષ્ણને તો દરિદ્ર સુદામાના તાંદુલમાં રહેલા પ્રેમના પરીમલની ભૂખ છે. રામને તો શબરીના જુઠા બોર પણ છપ્પન ભોગ જેટલા જ સ્વાદિષ્ટ લાગે.
આજે મંચો પર ધાર્મિકતાં અને અપ્રામાણિકતા એક બીજાને પુષ્પગુચ્છ આપી આલિંગન કરતા નજરે ચડે છે. આ આલિંગનમાં કેટલાય રામરહિમો અને આશારામોનો પ્રાદુર્ભાવ થતો રહે છે.
જ્યારે ધાર્મિકતામાં નૈતિકતા ન રહે ત્યારે એની અધોગતિ થાય છે. ધાર્મિકતા અને નૈતિકતાના સમાંગ મિશ્રણનું દર્શન મને નરસિંહ મહેતાના વૈષ્ણવજન પદમાં થાય છે.
એક હાથે બાલકૃષ્ણને ઝુલાવતો વ્યક્તિ બીજા હાથે બાળમજૂરી પણ કરાવતો હોય છે.
લેખનો અંત વીસમી સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ક્વોટથી કરીશ:
"ધર્મ વગરનું વિજ્ઞાન પાંગળું હોય છે; જ્યારે વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો હોય છે."
~ નિર્મલ હૃદય નાં સચોત કટાક્ષ ~