માં એક અક્ષરનું ધામ
આપણી ગુજરાતી ભાષામાં અદભુત ચમત્કારો જોવા મળે છે. માં નામના એક જ અક્ષરમાં સમસ્ત છંદો,વ્યકરણો સમસ્ત વેદ અને પુરાણો આવી જાય. માં એટલે પૃથ્વી પરનું કદી ના સુકાતું પ્રેમ અને કરુણાનું ઝરણું.
જગતના સર્વે પ્રાણી પાસે માં નામની એવી મૂડી છે કે જેનું મૂલ્ય એટલું છે કે ખર્ચ કરતા ખૂટતી નથી. બાળકને માં ના પ્રેમ અને કરુણાનો છાંયો શાતા આપે છે.
માતા અંતરને શાતા આપનારી છે. માં શબ્દ બોલતા જ પ્રેમ અને કરુણાનો રસ પીવા બાળકનું મુખ ખુલી જતું હોય છે.
જગતમાં માં ને ગુમાવનારા દયાને પાત્ર છે કારણ જગતમાં જેને માં નથી એનું આ જગતમાં કોઈ નથી.
મને એ લોકોની બહુ દયા આવે છે જેઓ પોતાની માં ને દુખી કરી સુખી થવાના સ્વપ્નોમાં રાચે છે, માં ને તરછોડનાર ને જગત તરછોડે છે એ વાત હમેશા યાદ રાખવી જોઈએ.
આજના આ કળીયુગમાં મંદિરો,દેવળો અને તીરથ યાત્રા માં જવું એ સારી વાત છે અને ન જવાય તો પણ વાંધો નહિ પરંતુ જેમાં સકલ તીરથ સમાયેલા છે એવી કરુણાની મૂર્તિ સમી માં ને રાજી રાખવાથી સર્વે દેવો ખુશ થશે. જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં માં ના ખોળે માથું રાખી ચાર આંસુ પાડી લેજો, માં ના આશીર્વાદથી બધા સંકટો દુર થશે.
ટહુકો
ખરચ કરતા ખૂટે નહિ,નિશદિન વધતી જાય.
હૈયું બહુ હરખાય, બસ માડી તારા નામથી.
કેતન મોટલા 'રઘુવંશી'
(''હૈયાની વાત'' પુસ્તક લેખ ૧૨)