મને વર્ષો પહેલા એક વાર એક મુશાયરાનું આમંત્રણ મળેલ. આમંત્રણ પત્રિકામાં લખેલું હતું કે કવિઓને આવવા જવાનું ભાડું આપવામાં આવશે અને નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે પુરસ્કાર નું કોઈ આયોજન નથી
ત્યારે એમ થયું કે સંગીતના કાર્યક્રમો, મીમીક્રીના કાર્યક્રમો અને ડાયરાના કાર્યક્રમો પાછળ લાખો રૂપિયા વાપરતો આ સમાજ કવિઓને અને કવિતાઓને શું સમજે છે? બસ! મારી ભીતર એક વેદના એક દર્દ પેદા થયું તે વેદનાના પરિપાકરૂપે જે ગઝલ લખાયેલી છે
તે રજુ કરું છું.
કવિતા લખી છે અમે ઉંઘ વેચી
દિવસ રાત બન્નેને બસ એક કરીને;
કલાની કદર જો કરી ના શકો તો-
મજૂરી તો આપો મજૂરો ગણીને.
તમારી આ દૌલત તમારા પછી તો-
ચડી જાય નામે બીજાના બીજે દી'
અમારા આ શબ્દો કયામત સુધી પણ,
અમારા જ રહેશે અમારા બનીને !
તમે દાદ દો છો જે શબ્દો ઉપર હા !
એ શબ્દો ની કિંમત તમને ખબર છે?
જીવન આખું ગીરવે મુકાયે છે જ્યારે-
ઉગે છે એ ત્યારે કવિતા બનીને !
કવિ છું છતાં પણ લ્યો વેપારી માફક-
તમારી જ ભાષા માં તમને કહું છું;
અમારું દરદ ને તમારી આ દાદો-
કરો સોદો બન્ને ની. કિંમત મૂકીને.!
અમારી લખેલી કિતાબો ને ફાડી
મરણ બાદ યારો કફન એનું કરજો !
અમારા પછી એ ન રઝળે ન રખડે
બજારો માં 'કાયમ' પસ્તી બનીને ! ! !
કાયમ હઝારી
મોરબી.