કરામત જે કરે એવાં મુસાફરની કથા વાંચો,
સરાસર કામ આવે એ ખંજરની કથા વાંચો.
જશો ના આપ મારાં સ્મિત પર, એ સાવ જૂઠી છે,
વ્યથા છે સ્મિત પાછળ, સાવ અંદરની કથા વાંચો.
સફળ ના થાવ એવું કંઈ જરૂરી તો નથી સાવે,
મળ્યું ના કોઈને એવાય મંજરની કથા વાંચો.
સમજવા ચાહતા જો હો મને સૌથી પહેલા તો,
પ્રણય વેળા થયા સૂકાં સમંદરની કથા વાંચો.
હતાં જે માપમાં એમાં હતું ના કોઈ વાંકે ને,
હતી ટુંકી પડી એવી કો ચાદરની કથા વાંચો.
છો નીકળ્યા તમે દુનિયા સમજવાં, તો ધરો ધીરજ,
જગતને પણ સમજશો, આપના ઘરની કથા વાંચો.
ને ઘર દીવાલ રાખે કાન, રાખો કાળજી અક્ષ,
ખબર પડશે પંખીઓની, પિંજરની કથા વાંચો.