- એક પીછું મોરનું / અરવિંદ ભટ્ટ
ફૂલ રાખ્યું હથેળી મહીં ભૂલમાં
આંગળીઓ બદલતી ગઈ શૂળમાં
આ પવન ખેરવે છે પીળાં પાંદડા ?
કે છુપાયું છે કોઈ કપટ મૂળમાં
કોઈ માણસનું પગલું મળે ના કશે
ને પગરખાં છપાતા રહે ધૂળમાં
એ જ રંગોથી સપનાંઓ રંગ્યા હતા
એ જ પાડી ગયાં દાગ પટકૂળમાં
એક પીછું મોરનું શોધતાં શોધતાં
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં.