અસ્તિત્વ તારું તો શંકા છે મારી
હયાતી છે તારી તો આપે પુરાવો,
પૂછ્યું ઇશને કર્યો મેં આવો દાવો.
પવનની એક લહેરકી ને વૃક્ષો ધરાતલ,
કુમળું તણખલું પુરે છે પુરાવો.
વરસાદી ઝરમરને ડૂબ્યા જહાજો,
તરી એક મત્સ્ય પુરે છે પુરાવો.
હોલિકા જ્યારે અગન ઓઢી પોઢી,
અડીખમ એ બાળક પુરે છે પુરાવો.
પ્રચુર પ્રાણવાયુ મળે છે હવામાં,
છતાં વેન્ટિલેટર પુરે છે પુરાવો.
વિજ્ઞાને મારી ભલે ને છલાંગો,
એક રક્તબિંદુ પુરે છે પુરાવો.
માણસ ફુલાયો સર કરતા સુધાકર,
વામન વિષાણુથી હાર્યા શુરાઓ.
વધુ જોઈએ છે કહે એકે પુરાવો ?
ને મેં પાછો લીધો ઝુઠ્ઠો એ દાવો.
હું નાદાન બાળક કરી બેઠો શંકા,
ગુમાવી રહ્યો તને મળવાનો લ્હાવો... (-Hiren Nathvani)