જીવન વિતે જો મારું સ્હેજે પણ કવન વગર,
જીવન વિતે તો મારું જાણે કે જીવન વગર.
શું મેળવી લેશો તમે કાંઈ મ્હેનત વગર?
કે કોઈને ક્યાં કાંઈ મળ્યું છે જતન વગર?
બારાખડી રખડી પડી શાહી, કલમ વગર,
આખીય એની લાશ પણ રઝળી કફન વગર.
આ સ્થિતિ આવી તો ખબર થૈ આપણે સૌને,
કે આપણે જીવી શકીએ છીએ ધન વગર.
તારે જવું છે તો તું જા, મરજી મુજબનું કર,
કે પાસ મારી ના રહે તું સાવ મન વગર.
ને મોત આવે તો ભલે બાકી જુદાં ના થશું,
નિર્ણય લ્યોં છો સાવ આવા, મનન વગર?
કે ક્યાંક લોહી ક્યાંક આંસું છે વહ્યાં અહીં,
તો પણ શહીદો તો થયાં રાખે વતન વગર.
- અક્ષ