હાથમાંથી હાથ કાઢી વાત પૂછે છે,
એ પરાયા જેમ મારી જાત પૂછે છે.
એ વિતે જો કોઈના સંગાથ વિના તો?
'છે જરૂરી કોઈ શમણું?' રાત પૂછે છે.
હોય ના ઔકાત જેની બે ટકાનીય,
એવાં માણસ પણ જો ને ઔકાત પૂછે છે!
ને અસર કોઈ થશે, કે કેમ મારી હે?
હાંફતી છાતી લઈ આઘાત પૂછે છે.
જીત સાથે દોસતી છે તે ખબર ક્યાં છે?
'દુશ્મની છે સાથ મારે?' માત પૂછે છે.
એ કરે સંભાળ કે ના પણ કરે ખુદની,
'છે તબિયત કેવી બેટા?' માત પૂછે છે.
મળ્યું જીવનભર ભલે ને દુઃખ હો તોય,
'કોઈ બાકી તો નથી ને ઘાત?' પૂછે છે.
કોઈ ઈચ્છા આપની બાકી તો નથી અક્ષ?
ફૂલથી જે છે રચેલી ભાત પૂછે છે.