#બાંધવ -બેનડી
હા! આપણે માડીજાયા, આપણે બાન્ધવ-બેનડી
આપણે તો બાળગોષ્ઠિ વીરા, આપણે સખી-સાહેલડી
નાની-મોટી રમતા રમતો, પળમાં ઝગડા-ઝગડી
પળમાં પાછું રીસાઈ જઈને, પળમાં હેતની હેલડી
કોણ જ વેળા કાળની કુદ્ષ્ટિ, વજા્ઘાત સમ પડી
ઝૂરતા મા-બાપ, ઝૂરતા હૈયા, ઝૂરતી ઝૂરે બેનડી
ઝુટવી લીધો માડીજાયો, માં બાપની ગઢપણ લાકડી
કેમ રે જાશે આ જન્મારો વીરા, કોની જોવી વાટડી
કોણ જ પાપે મધદરિયે ડૂબવા લાગી નાવડી
વ્હાલની વર્ષા ને વીર પસલી,છુટ્યા રક્ષા-રાખડી
કયાં ગયો વ્હાલો વીરલો મારો,ક્યાં ગઈ મીઠી વીરડી
પ્રભુ પાસે નિશદિન એક માત્ર યાચના કરતી બેનડી
વીરો મારો જ્યાં પણ હોય ત્યાં પામે હેતની હેલડી
વીર મારો સદા ખુશ રહેજો, માંગતી નિત્ય બેનડી
નાનો છતાં મોટો બનીને કાયમ રક્ષતો બેનડી ને
યાદ કરું ત્યાં વ્હારે આવતો, કરતો હજુયે ગોઠડી
સારાંનરસાનો બોધ આપતો ને કરતો ખુબ જ મોજડી
પાસે આવીને વિરાએ તો સંભાળી લીધા માબાપ બેનડી
છૂટયા પાર્થિવ દેહનાં બંધન માત્ર, નથી છુટી રાખડી
સાથ આપણો તો છે ભવભવનો, સાંભળ રે વ્હાલી બેનડી
બેની આપણે માડીજાયા, આપણે બાન્ધવ-બેનડી
હા! આપણે બાળગોષ્ઠિ વીરા, આપણે સખી-સાહેલડી