મને ક્યાં કારણો સર તેં કબરની બ્હાર રાખ્યો છે?
બનાવીને પરાયો તેં તો નગરની બ્હાર રાખ્યો છે!
ગજબની છે કરી હાલત કવનની બ્હાર રાખ્યો છે,
સફરમાં સાથ રાખી ને સફરની બ્હાર રાખ્યો છે.
ને બીજે ક્યાંય પણ ના મોક્લ્યો એને ખરેખર તેં?
મુસીબત પોટલો મારાં જ ઘરની બ્હાર રાખ્યો છે!
નજર અંદાજ કરવાનું મને ક્યારેય પણ ના ફાવ્યું,
તેં અવગણના કરી મારી નજરની બ્હાર રાખ્યો છે!
કદી ના કીધું મારી વેદનાં ને એનું કારણ પણ,
કહું આજે, તને પણ મેં ખબરની બ્હાર રાખ્યો છે.
- અક્ષ