# અનોખીપ્રિત - ૨
(રાજના ફોનમાંથી અનોખી પ્રિતમને ફોન કરીને લીલાવતી હોસ્પિટલ આવવાનું કહે છે,હવે આગળ...)
રાજ... અરે આ મહાશયની તો ઓળખાણ કરાવી જ નહીં ને?
લો કહું, રાજ એટલે પ્રિતમની વારસાઇ બીમારી...રાજના બાપ-દાદાએ પ્રિતમના બાપ-દાદાની આજીવન સેવા કરી,અને આ રાજ મહાશય એ બધાનું વળતર પ્રિતમ પાસેથી વસૂલવા જ જાણે ના અવતર્યો હોય... એમ અવાર-નવાર પ્રિતમ માટે કંઇ ને કંઇ નવી મુસીબત ઉભી કરીને ઉભો હોય.અને પ્રિતમ જાતે મુસીબત પોતાના માથે લઇને રાજને એમાંથી ઉગારે...
પ્રિતમને રાજ પ્રત્યે કૂણી લાગણી, ભાઇ જ સમજતો આ દાસપુત્રને...અને કેમ ના સમજે?
જ્યારે પ્રિતમ આ માયાવી નગરી મુંબઇમાં આવ્યો હતો ત્યારે "ધામેણા"માં(દિકરીને પિયર તરફથી મળતો ઉપહાર) આ એકજ તો આવ્યો હતો. એટલે પ્રિતમ એને હથેળી પર રાખતો, પરિણામ સ્વરૂપ રાજ બિન્દાસ બની ગયો હતો..."ભાઇ હૈ ના, દેખ લેગા"...
હવે આણે શું નવું કાંડ કર્યું યાર...?
હે ભોળાનાથ!!! છોડાવ મને આ બીમારી થી...આમ બબડતો પ્રિતમ કારમાં ગોઠવાયો,અને લીલાવતી હોસ્પિટલ તરફ કારને દોડાવી મૂકી...
હજુ અડધા રસ્તે પહોંચ્યો હતો,ત્યાં વળી પાછો ફોન રણક્યો,"રાજ કોલિંગ "...
પ્રિતમ : હેલ્લો...
અનોખી : આવતા આવતા કંઇક ખાવા-પીવાનું લેતા આવજો... સાવ એમનામ ના દોડી આવતા.. એક તો ના કરવાના કામ કરે છે અને બીજાને પરેશાન કરે છે...
અને હા પાર્સલ "ગ્રીન બાવર્ચી" રેસ્ટોરેન્ટમાં તૈયાર હશે.બસ એ લેતા આવજો..
પ્રિતમ : (અકળાઇને) તમે છો કોણ?
અને રાજ ક્યાં છે? થયું શું છે એને?
અનોખી : એ તો આવીને જાતે જ જોઇલો...
(........ફોન કટ.....)
પ્રિતમે ગ્રીન બાવર્ચી રેસ્ટોરેન્ટ પાસે કાર પાર્ક કરી. ત્યાં તો એક વેઇટરે આવીને પાર્સલ એના હાથમાં મૂકી દીધું. લીલાવતીથી કોલ આવ્યો હતો એમ કહીને.
પ્રિતમને કંઇ સમજાતું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે.
પ્રિતમે એ પાર્સલ લીધું અને આગળ વધ્યો.
માંડ હજુ બે-અઢી કિલોમીટર ગયો કે એક સફેદ સ્કોર્પિયો જીપ આવી અને એના આગળ થઇ વચ્ચે ઊભી થઇ રહી.
એમાંથી ૩-૪ પોલીસ અધિકારીઓ નીકળ્યા અને પ્રિતમને રોકીને ગાડીની તલાશી લેવા લાગ્યા.
એક અધિકારીએ જેવું એમણે પ્રિતમ પાસે રહેલું પાર્સલ ખોલ્યું કે તરત એને બંદૂકીનોક પર લીધો અને તાડૂક્યો,"યુ આર અન્ડર અરેસ્ટ"...
(ક્રમશઃ )