અંતરમન
અણગમતું અણછાજતું બનશે, તું બનવા દે,
આઘાતનાં પણ પ્રત્યાઘાત પડશે, તું પડવા દે.
હોય દોષ તારો તો અન્ય સાથે મિથ્યા લડીશનાં,
ખુદને ખુદ સાથે લડવું પડશે, તું લડવા દે.
હશે પોતીકા એતો સાથે જ રહેશે છેક સુધી,
રસ ઉડી જશે તો એય ઉડી જશે, તું ઉડવા દે.
દરિયા અને સૂરજ વચ્ચે છે એક ઋણાનુબંધ,
તાપ વિના કૈ વાદળ બનતું હશે ! તું તપવા દે.
વહેમ અને વાસ્તવિકતાનાં ભેદ પણ ખુલશે,
અંતરમનનાં પડદાય ખુલશે, તું ખુલવા દે.
@ મેહૂલ ઓઝા