"મંથરા... હાવી થશે.. "
સ્હેજ પણ તક આપશો તો મંથરા હાવી થશે
દ્વેષ મનમાં રાખશો તો મંથરા હાવી થશે
રામને વનવાસ આપો ને ભરત રાજા બને
વર વિવશનું માંગશો તો મંથરા હાવી થશે
કોણ તારું કોણ મારું એજ તો નક્કી નથી
મોહ માયા રાખશો તો મંથરા હાવી થશે
ધર્મનો સિધ્ધાંત શું કહે છે પ્રજાનો મત શું છે
મંથરાનું માણશો તો મંથરા હાવી થશે
છળ કપટ, નિંદા, અસતને દાસી ના રાખો ઘરે
સાપ ઘરમાં પાળશો તો મંથરા હાવી થશે
કૂળનું ઈચ્છો ભલું તો બંધ આંખે માંગજો
ખુલ્લી આંખે માંગશો તો મંથરા હાવી થશે
વૃક્ષ દશરથ નામનું લીલું રહે છે રામથી
ડાળ મીઠી કાપશો તો મંથરા હાવી થશે
આપનારો તો વચન "સાગર" સરીખા આપશે
સત વિહોણું માંગશો તો મંથરા હાવી થશે
રાકેશ સગર, સાગર, વડોદરા