વર્ષો પછી પગલાંસૂની રેતી જોઈ દરિયાના મોજાઓએ એકાંતની મોજ માણી
વર્ષો પછી પંખીઓએ સૂના આકાશમાં ઉંચી ઉડાન ભરી આકાશની પ્રાર્થના કરી
વર્ષો પછી સાવ સુમસામ રસ્તા ઉપર હેમખેમ ઉભેલા વૃક્ષોએ ફાગણના ગીતોની અંતાક્ષરી રમી
વર્ષો પછી પરીક્ષાની મોસમમાં મામાના ઘર જેવું વેકેશન બાળકોને ભેટી પડ્યું
વર્ષો પછી ઘરે બેસી કામ કરતા પપ્પાને દીકરીને ગુલાબી રંગ ગમે છે એની ખબર પડી
વર્ષો પછી મંદિરમાં રહેલા ભગવાને આરામથી બગાસું ખાધું
વર્ષો પછી વર્ષોના વર્ષોમાં ન બન્યું હોય એવું બન્યું
વર્ષોના વર્ષો પહેલા કોઈએ કહેલું 'પરિત્રાણાય સાધુનાં'
મુકેશ જોષી