જેમ રણ વચાળે મીઠું કોઈ સરવર મળે,
સળગતી આ સાંજે તારું એક સ્મરણ મળે
લાખ વેદનાઓ વચ્ચે ય, આ બે હોઠને,
ખરી પડતા સ્મિતનું વ્યાજબી કારણ મળે
જેમાં તને અને માત્ર તને શીખી શકાય,
જિંદગીનું એવું કોઈ, મને વ્યાકરણ મળે
આખીય દુનિયા હવે વામન લાગી રહે,
નજર જરાક હટે તો થોડું વિસ્તરણ મળે
બંધન ચાર દીવાલોનું તો જ પસંદ છે,
સ્મરું તને તો પડઘાનું વાતાવરણ મળે
હુંય કોઈ સ્વપ્નિલ મૃગજળમાં ડૂબી જાઉં
જો તારી અફાટ આંખો સમું એક રણ મળે