ભગવાન શંકરે જણાવી છે રુદ્રાક્ષ વિશે ખાસ વાતો તમે પણ જાણી લો અહિં
શિવ મહાપુરાણમાં ભગવાન શંકરે માતા પાર્વતીને રુદ્રાક્ષની મહિમા જણાવ્યો છે. ભગવાન શિવની આંખમાંથી નિકળેલા અશ્રુમાંથી જેનો જન્મ થયો છે તે રુદ્રાક્ષનો મહિમા અનેરો છે. રુદ્રાક્ષ ભગવાન શંકર જ્યારે મનને સંયમમાં રાખી અને વર્ષો સુધી ઘોર તપસ્યામાં લીન રહ્યા હતા. એક દિવસ અચાનક તેમનું મન ક્ષુબ્ધ થયું અને વિચાર આવ્યો કે તેઓ સંસારના સ્વતંત્ર પરમેશ્વર છે. આ લીલાવશ તેમણે આંખ ખોલી અને આંખ ખોલતાંની સાથે જ તેમાંથી કેટલાક અશ્રુ જમીન પર પડ્યાં. આ અશ્રુ જ્યાં પડ્યા હતા ત્યાં ત્યાં રૂદ્રાક્ષના ઝાડ ઉગ્યા.
કોણ ધારણ કરી શકે રૂદ્રાક્ષ
બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને સંન્યાસી સૌ કોઈ નિયમપૂર્વક રૂદ્રાક્ષ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ પહેરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તમામ આશ્રમ, વર્ણ, સ્ત્રીઓ અને પુરુષો રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ ખાન-પાનમાં તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.
રૂદ્રાક્ષ નાનો હોય કે મોટો તે સમાન ફળ આપે છે. પરંતુ તેને ધારણ કરતાં પહેલા તેને સિદ્ધ અવશ્ય કરાવી લેવો. તેના માટે ઓમ નમ: શિવાય મંત્રના નિયત સંખ્યામાં જાપ કરવા અને ત્યાર બાદ હાથ અથવા ગળામાં તેને ધારણ કરવો. જો તે તુટેલો હોય કે પછી અડધા ભાગને જીવજંતુઓએ દૂષિત કરી દીધો હોય કે અન્ય કોઈ ખામી હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
રુદ્રાક્ષ પહેરાવાથી કેટલાંક દોષોનો નાશ થઈ જાય છે. રુદ્રાક્ષ શરીરમાં લોહીના ભ્રમણને કાબુમાં રાખે છે. રુદ્રાક્ષ પહેરવાથી મનને શાંત રાખવામાં મદદ મળે છે. સામાન્ય રીતે 5મુખી રુદ્રાક્ષ કોઈ પણ ધારણ કરી શકે છે. જ્યારે એક મુખી રુદ્રાક્ષ દુર્લભ છે. તે સિદ્ધ કરીને પહેરવાથી સર્વ પ્રકારે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.