માર્ચ મહિનામાં મહિલા દિવસ અને મહિલા સપ્તાહની ઉજવણીમાં વ્યસ્ત થઈએ એ પહેલાં આ ગઝલ...
હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો
પરંતુ બાળ પોઢયા બાદ ના પોઢયો દુપટ્ટો
હતો જો મુક્ત તો પણ કેમ ના ઉડ્યો દુપટ્ટો ?
નવાઈ છે,તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો !
મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની
કિનારી આંખની લુછવા થયો તરસ્યો દુપટ્ટો
બદામી, કાળી, ભૂરી, કથ્થઈ કે આસમાની
કઈ છે આંખ કે જેણે નથી ભેદયો દુપટ્ટો ?
અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો'તો
રમતમાં બાળકીએ બે ઘડી વીંટયો દુપટ્ટો
કરી બાધા કે નવસોને નવાણું ચીર ઉગે ત્યાં
પીડીતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો
હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે
બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો
મલાજો રાખવા માટે વડીલોની નજરનો
વિચારી જો કદી, કે કેમ પહેરાવ્યો દુપટ્ટો ?
કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં
લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો
લિપિ ઓઝા