ચર્ચામાં શાને આવ્યો છે મુદ્દો તપાસનો;
ઈતિહાસ બહુજ જૂનો છે અંતરની ફાંસનો.
દુનિયામાં મારું સ્થાન હવે ક્યાંય પણ નથી;
મોહતાજ થઈ ગયો છું હું મારા નિવાસનો.
જોઉં છું આયનો તો મને એમ લાગે છે;
ચહેરો હસી રહ્યો છે કોઈ દેવદાસનો.
લઈને ઉછીનું તેજ શરદ આપે ચાંદની;
મેં સાંભળી લીધો છે ખુલાસો અમાસનો.
ચહેરાની એ ચમક તો મેં ખોઈ છે ક્યારની;
ઝાંખો થયો છે રંગ હવે તો લિબાસનો.
ન્હોતો વિકલ્પ એટલે માંગી છે મેં દુઆ;
અંજામ શું હશે મારા અંતિમ પ્રયાસનો.
"નાશાદ" આપોઆપ ઢળી ગઈ છે પાંપણો;
હકદાર જાણે હું નથી કોઇ ઉજાસનો.
ગુલામ અબ્બાસ નાશાદ