રહીને એમ દરિયાના પનારે, લાજ કાઢી છે,
કે મોજાનો કરી ઘૂંઘટ, કિનારે લાજ કાઢી છે.
તમે જેને કહો છો રાત એ કંઈ રાત થોડી છે?
દિવસના માન માટે અંધકારે લાજ કાઢી છે.
તમે સામે જો આવો તો વિચારો મૌન સેવે છે,
તો એવું લાગે છે જાણે વિચારે લાજ કાઢી છે.
ઉગી છે બીજની રેખા કે ઊભા છો તમે છત પર?
પરંતુ એ કહો કોના ઈશારે લાજ કાઢી છે?
ઢળી પાંપણ તો સૌને એમ લાગ્યું ઊંઘ આવી ગઈ,
પણ એના સપના જોવા આંખે ભારે લાજ કાઢી છે.
રવિ દવે 'પ્રત્યક્ષ'