ભક્તની અભિલાષા પૂર્ણ કરવા શિવજીએ ધર્યું હતું આ રૂપ
ભગવાન ભેલેનાથ, શિવશંકરની કૃપાથી આ સંસારમાં કોઈપણ સુખ અને શાંતિનો અનુભવ કરે છે. આમ જોવા જઈએ તો સંસારમાં જન્મનાર દરેક વ્યક્તિ પર શિવની કૃપા હોય છે. તેથી જ શિવ એ સંસાર રક્ષક છે. આપણે ભગવાન શિવજીના અનેક રૂપો વિશે જાણીએ છીએ. જેનું સમગ્ર વિશ્વ પૂજન કરે છે. આમછતાં ભગવાન શિવના પણ અનેક અવતારો હતા, તે વિશે બધાં જ જાણતા નથી. આજે ભગવાન શિવના આ વિશિષ્ટ અવતારો વિશે જાણીએ.
ધર્મગ્રંથો અનુસાર વિદર્ભ નરેશ સત્યરથને શત્રુઓએ મારી નાંખ્યો. તેમની ગર્ભવતી પત્નીએ શત્રુઓથી છૂપાઈને પોતાનો જીવ બચાવ્યો. સમય આવતા, તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પછી રાણી જ્યારે પાણી પીવા નદી કિનારે ગઈ તો એક મગરે તેનો ભોગ લઈ લીધો. જેને પગલે રાજકુંવર અનાથ થઈ ગયો અને ભૂખ અને તરસથી તડપવા લાગ્યો. એટલાંમાં શિવજીની પ્રેરણાથી એક ભિખારણ ત્યાઁથી પસાર થઈ. ત્યારે શિવજીએ ભિક્ષુકનું રૂપ ધરીને તે ભિખારણને બાળકનો પરિચય આપ્યો. એટલું જ નહિં તેના પાલન પોષણ કરવા આદેશ આપ્યો. તેમજ એમ પણ કહ્યું કે આ બાળક એ વિદર્ભ નરેશ સત્યરથનો પુત્ર છે. આમ કહીને ભિક્ષુક રૂપ ધારી શિવજીએ એ ભિખારણને પોતાનું વાસ્તવિક રૂપ દેખાડ્યું. શિવના આદેશને પગલે ભિખારણે એ બાળકને પાળી પોષીને મોટું કર્યું. મોટો થઈને એ બાળકે ભગવાન શિવની કૃપાથી પોતાના દુશ્મનોને હરાવીને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. ભગવાન ભોળાનાથનો આ અવતાર સંદેશ આપે છે કે સંસારમાં જન્મ લેનારા જીવના તે રક્ષણહાર છે.
ભગવાન શંકરનો સુરેશ્વર અવતાર
ભગવાન શિવનો સુરેશ્વર(ઈંદ્ર) અવતાર, ભક્તો પ્રતિ પોતાના પ્રેમભાવને પ્રદર્શિત કરે છે. આ અવતારમાં ભગવાન શંકરના એક નાના બાળક ઉપમન્યુની ભક્તિથી પ્રસન્ન થઈને તેને પોતાની પરમ ભક્તિ અને અમર પદનું વરદાન આપ્યું. ધર્મગ્રંથો અનુસાર વ્યાઘ્રપદનો પુત્ર ઉપમન્યુ પોતાના મામાના ઘરે ઉછરતો હતો. તે સદા દૂધની ઈચ્છાથી વ્યાકૂળ રહેતો હતો. તેની માએ તેની એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે ભગવાન શિવજીના શરણમાં જવાની પ્રેરણા આપી. આથી ઉપમન્યું ઘોર જંગલમાં જઈને એક ઝાડ નીચે ઓમ નમઃ શિવાયના જપ કરવા લાગ્યા. એક દિવસ શિવજી પ્રગટ થયાં તેમણે સુરેશ્વર(ઈંદ્ર)નું રૂપ ધારણ કર્યું. તેમણે બાળકને દર્શન આપ્યા, પછી એ બાળક પાસેજ શિવજીની અનેક પ્રકારે નિંદા કરવા લાગ્યા. તે સાંભળીને ઉપમન્યું ક્રોધિત થઈ ઉઠ્યો અને સુરેશ્વરને મારવા ઉભો થઈ ગયો. ઉપમન્યુની પોતાનામાં દ્રઢ આસ્થા અને અટલ વિશ્વાસ જોઈને શિવજી પ્રસન્ન થયા અને પોતાના વાસ્તવિક રૂપમાં આવી ગયા. તે પછી તેમણે ઉપમન્યૂને દર્શન આપી ક્ષીર સાગર સમાન એક અનશ્વર સાગર તેને આપ્યો. તેનની પ્રાર્થના પર શિવજીએ તેને પરમ ભક્તનું પદ પણ આપ્યું. ઉપમન્યુએ જીવન પર્યંત શિવજીની પરમ આરાધના કરી. તેમણે એક સ્તોત્રની પણ રચના કરી તેને ઉપમન્યુ સ્તોત્ર કહેવામાં આવે છે. કહેવાય છે કે આ સ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી ઘરમાં દૂધ-દહીની નદીઓ વહે છે. અનેક પ્રકારે સુખની પ્રાપ્તિ થાય છે.