*અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !*
કોણ પઢાવે રોજ નમાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
કોના છે આ ભક્તિ સાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
એક તરફ અલ્લાહો અકબર , બીજો નાદ અલખ - નિરંજન !
ક્યાં પહોંચે છે બે ય અવાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
ધર્મ પતંગોની દોરી પર માથા કાપી નાખે એવો ,
કોણ ચડાવે છે આ માંજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
ભાન વગરના સાધુ - સંતો , હોશ વગરના મુલ્લા-શેખો ;
મઝહબ છે કે છે આ ગાંજો ! અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
ક્યાં જાશે આ બે ય સવારી ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
એક નનામી ! એક જનાજો ! અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
ધોળે દિ ' એ અજવાળામાં !! હાથોમાં લઈ ફાનસ બત્તી
શોધે છે શું ? અંધ - સમાજો ! અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
નવજાત શિશુની આંખો જેવો વાસી સૂરજનો આ તડકો !
લાગે છે કાં ' કાયમ ' તાજો ? અલ્લાહ જાણે ! ઈશ્વર જાણે !
Kayam Hazari
Morbi