આજ આ જેવા છીએ એવા અમે ક્યારે હતા?
બંધ હોઠે બોલીએ એવા અમે ક્યારે હતા?
સાવ અડધેથી ઉદાસી પાછી વાળી છે સદા,
ઘર સુધી લઈ આવીએ એવા અમે ક્યારે હતા?
કોઈ રસ્તામાં મળે તો 'કેમ છો?' તો પૂછતા,
આમ ઊંધું ઘાલીએ એવા અમે ક્યારે હતા?
રેતમાં તો આમ ક્યાં તરતા હતા પહેલાં કદી!
જળ ઉપર પણ ચાલીએ એવા અમે ક્યારે હતા?
જે હતા, જેવા હતા એવા જ તો લાગ્યા છીએ,
કોઈ બીજા લાગીએ એવા અમે ક્યારે હતા?
- બાબુલાલ ચાવડા 'આતુર'