એકાગ્રતાની શક્તિથી આપ પણ કરી શકો છો અનેક કમાલ
મનની શક્તિ અગાધ છે. જો મનની શક્તિને વિકસિત કરવામાં આવે તો માનવી એવી એવી કમાલ કરી બતાવી શકે છે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. સવાલ મોટો એ છે કે મનની શક્તિને વિકસાવવી કેવી રીતે. મનની શક્તિને જો તમે વિકસાવવા માંગતા હોય તો તમારે વધુંને વધું એકાગ્રતા કેળવવી પડે.
એકાગ્રતાથી શું પ્રાપ્ત ન કરી શકાય તે એક મુદ્દો છે. મનની તાકાતથી આપણે સૌ પરિચિત છીએ. સાહિત્યકાર, કલાકાર, વૈજ્ઞાનિક, અભિનેતા, શિલ્પી, વેપારી પોતાની કલ્પના અને મનની શક્તિથી અદભૂત સિદ્ધિઓ મેળવે છે. તેમની કૃતિઓ અમરત્વને પામે છે. જો સવારે તમામ બુદ્ધિજીવીઓ થોડો સમય માટે પણ ધ્યાન કરે તો તેમની મનની શક્તિમાં વધારો થતો જશે. એકાગ્રતા વગર કઈં પણ પ્રાપ્ત કરવું શક્ય નથી.
જ્યારે તમે કોઈ ચીજમાં ખૂંપી જાવ, તમને એ કાર્ય કરવાનો ન કંટાળો આવે કે ન થાક લાગે તો તે તમારું ક્ષેત્ર છે તેમ સમજવું. તેમાં તમે વધું ને વધું ઉંડા ઉતરો. એકાગ્રતાથી કામ કરો. તમે એવા ચમત્કારિક પરિણામ મેળવશો કે જે અન્ય માટે માત્ર દિવાસ્વપ્ન જ હોય. એકાગ્રતાને માત્રને માત્ર આધ્યાત્મિકતા સાથે જ સંબંધ છે તેવું માનનારા બિલકુલ ખોટાં છે. એકાગ્રતા એ દરેક ક્ષેત્રમાં જરૂરી છે. કોઈ નટ કે સરકસ દેખાડનારો જો એકાગ્રતાથી કાર્ય ન કરે તો સફળ પ્રદર્શન બતાવી શકતો નથી.
એકાગ્રતાની શક્તિ અમાપ છે. જેવી રીતે ચુલામાંથી નિકળી વરાળને એકાગ્ર કરીને કોઈ ક્ષેત્રમાં સંગઠિત કરવામાં આવે તો તોતિંગ અને મસમોટી રેલગાડી તે વરાળથી દોડવા લાગે છે. જેવી રીતે કુકરમાં મુકેલો ખોરાક રંધાઈ જાય છે તેવી જ રીતે એકાગ્રતાથી કર્યું કાર્ય દીપી ઉઠે છે. સૂર્યની કિરણો બધે જ વિખરાયેલી હોય છે. તેમાં ગરમી, રોશની મળે છે. પણ થોડી સૂર્ય કિરણોને એકત્રિત કરી સૂર્ય કુકરમાં કેન્દ્રીત કરવામાં આવે છે તો સૂર્યની કિરણોમાં જ ખોરાક રંધાઈ જાય છે. સોલાર વિજળી પણ આનું જ ઉદાહરણ છે. જો ભૌતિકક્ષેત્રે આવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય તો પારલૌકિક ક્ષેત્રે શું પ્રાપ્ત થઈ શકે તેની કલ્પના જ કરવી રહી.
મનની એકાગ્રતા કેળવો. જેમ અનેક તાર એકાગ્ર થઈને એક કપડું બનાવે છે. તેમ મનની એકાગ્રતાથી એ તમામ હાંસલ કરી શકાય છે જે દેવોને પણ દુર્લભ છે.
અર્જુને મનને એકાગ્ર કરીને છોડેલું બાણ મત્સ્ય વેધ કરીને દ્રૌપદીની પ્રાપ્તિ કરાવી હતી. બાલ્યાવસ્થામાં ગુરુએ જ્યારે પૂછ્યુ ત્યારે અર્જુને કહ્યું હતું કે મને તો પક્ષીની આંખ સિવાય કશું દેખાતું નથી. એ આધાર પર જ તેણે લક્ષ્યવેધી બાણ ચલાવ્યું અને દ્રૌપદીએ વરમાળા તેના ગળામાં પહેરાવી દીધી.
જ્યારે હિસાબ મેળવો છે. ત્યારે રોજમેળ અને ખાતાવહી, આવક -ખર્ચ અને નફાનો હિસાબ ન મળે ત્યાં સુધી તમને સફળતા મળતી નથી. આ બધાં જ માટે એકાગ્રતા જોઈએ. એકાગ્રતાથી કરેલું કોઈ કાર્ય સફળતાનો આધાર બને છે.