તારું નામ દઉં
શ્રદ્ધા ફળે જો એને તારું નામ દઉં,
ખુદા મળે જો એને તારું નામ દઉં.
કોરા-કટ કાગળમાં સૂકાભઠ શબ્દો,
લાગણી સળવળે જો એને તારું નામ દઉં.
દિલને થીજવતી આ ઠંડી શૂન્યતા,
બરફ ઓગળે જો એને તારું નામ દઉં.
હવે આ આગમાં કશુંયે ના હોમશો,
ભડકે બળે જો એને તારું નામ દઉં.