Prambanan Hindu Temple In Indonesia
માન્યતાઃ એક શ્રાપના કારણે ઇન્ડોનેશિયાના આ મંદિરમાં બિરાજે છે દેવી દુર્ગા
ભગવાન શિવના મંદિર વિશ્વભરમાં મોજૂદ છે. જ્યાં ભગવાન શિવ સાથે અનેક દેવી-દેવતાઓને અલગ-અલગ નામથી પૂજવામાં આવે છે. ભગવાન શિવનું આવું જ એક સુંદર અને પ્રાચીન મંદિર ઇન્ડોનેશિયાના જાવા ખાતે આવેલું છે. 10મી સદીમાં બનેલું ભગવાન શિવનું આ મંદિર પ્રમ્બાન્ન મંદિરના નામથી જાણીતું છે. શહેરમાં લગભગ 17 કિ.મી.ના અંતરે સ્થિત આ મંદિર એક કહાણી માટે પણ પ્રસિદ્ધ છે.
અહી રોરો જોંગ્ગરંગને પૂજવામાં આવે છે દેવી દુર્ગાના રૂપમાં
આ મંદિરમાં ભગવાન શિવની સાથે એક દેવીની મૂર્તિ પણ સ્થાપિત છે. આ મૂર્તિને દેવી દુર્ગાના રૂપમાં પૂજવામાં આવે છે. અહી દેવીની સ્થાપના પાછળ એક રસપ્રદ કહાણી છે. કહેવામાં આવે છે કે અહી જાવાના પ્રબુ બકા નામનો એક દેત્ય રાજા હતો. તેની એક ઘણી જ સુંદર દિકરી હતી, જેનું નામ રોરો જોંગ્ગરંગ હતું. બાંડુંગ બોન્દોવોસો નામનો યુવક રોરો જોંગ્ગરંગ સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ રોરો જોંગ્ગરંગે બાંડુંગ બોન્દોવોસોના લગ્નના પ્રસ્તાવ ઠુકરાવા માટે એક શર્ત રાખી. શર્ત એવી હતી કે બાંડુંગ બોન્દોવોસોએ એક જ રાતમાં એક હજાર મૂર્તિઓ બનાવવી પડશે, જો તે બનાવી લેશે તો રોરો જોંગ્ગરંગ તેની સાથે લગ્ન કરશે.
શર્ત પૂરી કરવા માટે બાંડુંગ બોન્દોવોસોએ એક જ રાતમાં 999 મૂર્તિઓ બનાવી દીધી અને તે અંતિમ મૂર્તિ બનાવી રહ્યો હતો. આ જોઇને રોરો જોંગ્ગરંગે આખા શહેરમાં ચોખાના ખેતરોમાં આગ લગાવીને દિવસ જેવો પ્રકાશ કરી દીધો. જેના કારણે બાંડુંગ બોન્દોવોસો અંતિમ મૂર્તિ બનાવી શક્યો ન હતો. જ્યારે બાંડુંગ બોન્દોવોસોને સત્યની જાણ થઇ, તો તેને ઘણો ગુસ્સો આવ્યો અને તેણે રોરો જોંગ્ગરંગને અંતિમ મૂર્તિ બની જવાનો શ્રાપ આપ્યો. પ્રમ્બાન્ન મંદિરમાં રોરો જોંગ્ગરંગની આ મૂર્તિને દેવી દુર્ગા માનીને પૂજા કરવામાં આવે છે.
સ્થાનિક લોકો કહે છે રોરો જોંગ્ગરંગ મંદિર
આ મંદિરની કથા રોરો જોંગ્ગરંગ સાથે જોડાયેલી હોવાના કારણે ત્યાંના સ્થાનિક લોકો આ મંદિરને રોરો જોંગ્ગરંગ મંદિરના નામથી પણ ઓળખે છે. રોરો જોંગ્ગરંગ મંદિર અથવા પ્રમ્બાન્ન મંદિર હિન્દુઓ સાથે અહીના સ્થાનિક લોકો માટે પણ ભક્તિનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવો અહી છે બિરાજમાન
પ્રમ્બાન્ન મંદિરમાં મુખ્ય ત્રણ મંદિરો છે, એક ભગવાન બ્રહ્માનું, એક ભગવાન વિષ્ણુ અને એક ભગવાન શિવનું. ત્રણેય ભગવાનોની મૂર્તિઓના મુખ પૂર્વ દિશા તરફ છે. દરેક મુખ્ય મંદિરની સામે પશ્ચિમ દિશામાં તેનું સંબંધિત એક મંદિર છે. આ મંદિર ભગવાનના વાહનોને સમર્પિત છે. ભગવાન બ્રહ્માની સામે હંસ, વિષ્ણુની સામે ગરુડ અને શિવજીની સામે નંદીનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પરિસરમાં અન્ય ઘણા મંદિરો પણ છે.
આવું છે અહીનું શિવ, વિષ્ણુ અને બ્રહ્માનું મંદિર
પ્રમ્બાન્ન મંદિર સ્થિત શિવ મંદિર ઘણું મોટું અને સુંદર છે. આ મંદિર ત્રણેય દેવોના મંદિરોની મધ્યમા છે. શિવ મંદિરની અંદર ચાર રૂમ છે. જેમાંથી એકમાં ભગવાન શિવની વિશાળ મૂર્તિ છે, બીજામાં ભગવાન શિવના શિષ્ય અગસ્ત્યની મૂર્તિ છે, ત્રીજામાં માતા પાર્વતી અને ચોથામાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થિત છે. શિવ મંદિરની ઉત્તરમાં ભગવાન વિષ્ણુ અને દક્ષિણમાં ભગવાન બ્રહ્માનું મંદિર છે.
મંદિરની દિવાલો પર છે રામાયણ
પ્રમ્બાન્ન મંદિરની સુંદરતા અને બનાવટ જોવા લાયક છે. મંદિરોની દિવાલો પર હિન્દુ મહાકાવ્ય રામાયણના ચિત્રો પણ બનેલા છે. આ ચિત્ર રામાયણની કહાણી દર્શાવે છે. મંદિરની દિવાલો પર થયેલી આ કલા કારીગરી આ મંદિરને વધુ સુંદર અને આકર્ષક બનાવે છે.