લોકપ્રિય આરતી ‘જય જગદીશ હરે’ના રચયિતાને એક સમયે કાઢી મૂકાયા હતા ગામ બહાર
જો તમે થોડાં પણ ધાર્મિક હશો તો તમે ‘જય જગદીશ હરે’ની આરતી સાંભળી જ હશે. ભારતભરમાં ખુણે ખુણે ગવાતી આ આરતી આજે એટલી મશહૂર છે કે ભાગ્યે જ કોઈ આસ્તિકને એ કંઠસ્થ ન હોય. જ્યારે આપણે ભગવાન શિવ કે વિષ્ણુનારાયણની પૂજા કરીએ ત્યારે આરતીમાં આ અચૂક ગાઈએ છીએ. શું તમે જાણો છો કે એ જમાનામાં જ્યારે ટીવી, મોબાઈલ, વોટ્સએપ, ફેસબુક ન હોય ત્યારે પણ આટલી ખ્યાતિ મેળવનારી આ રચના આજે અમર રચના બની ગઈ છે. આજે જાણો આ આરતીના રચયિતા વિશેની ખાસ કેટલીક વાતો….
જય જગદીશ હરે આરતીના રચયિતા છે શ્રદ્ધારામ શર્મા, મૂળ તેઓ પંજાબના ફિલ્લોરી ગામના વતની. તેમણે જ આ આરતીની રચના કરી. અને જ્યારે પણ મોકો મળે લોકોને ગાઈ સંભળાવતા. આ રીતે જ આ રચનાનો પ્રચાર અને પ્રસાર થયો. લોકો પણ તેમના કંઠે અવશ્ય આ આરતી ગવડાવે. પછી નોંધીને કંઠસ્થ કરી લે.
1837માં પંજાબના ફિલ્લોરમાં જ્યારે શ્રદ્ધારામ શર્માનો જન્મ થયો ત્યારે ભારતમાં અંગ્રેજ હકુમત હતી. જો કે શ્રદ્ધારામ પોતે ધર્મ પ્રચારક,સ્વાતંત્ર્ય સેનાની, સંગીતજ્ઞ, તેમજ હિન્દી અને પંજાબીના સુપ્રસિદ્ધ સાહિત્યકાર હતા. તેમણે આ વિશ્વવિખ્યાત આરતી ‘જય જગદીશ હરે’ લખી તે સિવાય પણ અનેક સાહિત્યિક રચનાઓ કરી છે. તેઓ હિન્દી સાહિત્યના પહેલી નવલકથા ભાગ્યવતીના પણ લેખક માનવામાં આવે છે.
કલમની તાકાત બતાવનારા શ્રદ્ધારામ પોતાની રચનાઓથી અંગ્રેજ હકૂમત વિરુદ્ધ જનજાગરણનો માહોલ સર્જી દીધો. તે મહાભારતના કિસ્સાઓનો ઉલ્લેખ કરીને તેમણે અંગ્રેજોને ખદેડવા માટે દેશવાસીઓની વચ્ચે ક્રાંતિની અલખ જગાવી રહ્યાં હતા. તેમના આવા પ્રયાસોને પગલે અંગ્રેજ સરકાર તેમનાથી નારાજ થઈ ગઈ.
તેમને સરકાર વિરુદ્ધની બગાવત ભારે પડી. બ્રિટિશ હકૂમતે તેમને 1865માં પોતાના જ ગામ ફિલ્લોરીમાંથી દેશવટો આપ્યો. એટલું જ નહિં તે આસપાસના ગામોમાં પણ પ્રવેશી ન શકે તેવી ધારાઓ લાગૂ કરી દેવાયી. આમછતાં શ્રદ્ધારામ પોતાની મસ્તીમાં મસ્ત રહેતા હતા. તેમના પર આ બધાંની કશી અસર ન થઈ. ઉલ્ટાની તેમની લોકપ્રિયતામાં ઓર વધારો થયો.
એક પાદરીની મદદથી તેમની વતન વાપસી થઈ હતી. બન્યું એવું કે પાદરી ફાધર ન્યૂટન શ્રદ્ધારામજીથી ભારે પ્રભાવિત હતા. તેઓ તેમના જ્ઞાન અને કૌશલ્ય પ્રત્યે ભારે આદરભાવ ધરાવતા હતા. તેનું વખતોવખત સન્માન કરતા હતા. તેમણે અંગ્રેજી હકૂમતને ભારે સમજાવ્યા કે શ્રદ્ધારામજીનો દેશવટો રદ્દ કરવો જોઈએ. તેમના વિશેષ પ્રયાસોને પગલે શ્રદ્ધારામને પોતાના ઘરે પરત ફરવાનો અવસર મળ્યો.
શ્રદ્ધારામજીએ સને 1870માં ‘ઓમ જય જગદીશ હરે’ આરતીની રચના કરી હતી. તેઓ જ્યાં પણ સત્સંગ માટે જતાં ત્યારે જબરદસ્ત નફો થયો. એમા ધાર્મિક વિષયો પર પ્રવચન અને સત્સંગ માટે બોલાવવામાં આવે ત્યારે પોતાની આરતી ગાઈને લોકોને સંભળાવતા. આ રચના લોકોને એટલી પસંદ આવી કે તે હિંદુસ્તાનના ઘરે ઘરમાં ગવાવા લાગી….