અઠવાડિયામાં એક વાર કરો હનુમાનજીનો દીવો, ઘર પર નહિં આવે ઉની આંચ
પરિવારની સુખ-સમૃદ્ધિ માટેના ઘણા ઉપાયો પ્રચલિત થયાં છે. તેમાંથી કેટલાંક એટલાં સચોટ હોય છે કે તેને અજમાવ્યાના ગણતરીના જ દિવસોમાં લાભ થયાનો અનુભવ કરી શકાય છે. તેનાથી આર્થિક સમસ્યા દૂર થઈ શકે છે, ગૃહ ક્લેશ દૂર થઈ શકે છે, ઉપરાંત ગ્રહપીડામાંથી પણ મુક્તિ મળે શકે છે. જરૂર હોય છે માત્ર શ્રદ્ધા રાખી તેનો પ્રયોગ કરવાની. આવો જ એક સચોટ પ્રયોગ છે દીવો કરવાનો. આ વાત આમ તો સામાન્ય લાગશે કારણ કે દરેક ઘરમાં દીવો તો પ્રાત:કાળ અને સંધ્યાકાળે થતો જ હોય છે. પરંતુ અહીં વાત ઘરમાં રોજ થતાં દીવાની નથી. આ વાત છે લોટમાંથી બનેલા દીવામાં દીપક પ્રજ્વલિત કરવાની. ખાસ અવસર અને તહેવારોમાં આ પ્રકારના દીવા પ્રગટતા તમે જોયા હશે. તેનો આ ખાસ ઉપાય અનેક લાભ કરી શકે છે. તેમાંયે જો મંગળવારે હનુમાનજીનો અખંડ દીવો રાખવામાં આવે તો ઘર પર ઉની આંચ આવતી નથી.
જ્યારે રાત દિવસ મહેનત કરવા છતાં પણ આર્થિક સ્થિતીમાં સુધારો થતો ન હોય, વિના કારણ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થયા કરતો હોય, ઓફિસમાં ધારી સફળતા ન મળતી હોય, શત્રુઓના કારણે નુકસાન થતું હોય કે પછી ખરાબ સપનાનો ભય સતાવતો હોય, આ તમામ સમસ્યાઓમાંથી આ ઉપાય છૂટકારો આપી શકે છે.
ઉપાયની વિધિ
કળિયુગમાં હનુમાનજીની ભક્તિ બધા જ કષ્ટ-ક્લેશ દૂર કરી અને સુખ પ્રદાન કરે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે દરરોજ પણ તેમની છબી સામે લોટમાંથી બનેલો દીવો કરી અને હનુમાન ચાલીસાનો જાપ કરી શકો છો. ખાસ ધ્યાનમાં રાખવું કે આ ઉપાય કરો ત્યારે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ઘરમાં પણ ચોખ્ખાઈ રાખવી. આ દીવા માટે ઘઉંના લોટમાં પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધવો. તેમાંથી દીવો બનાવી તેમાં આડી વાટનો તેલનો દીવો પ્રગટાવવો. આ દીવો તમે હનુમાનજીના મંદિરમાં જઈને પણ કરી શકો છો. આ ઉપાય મંગળવારે અને શનિવારે કરવાથી લાભ મળે છે. જો તે દિવસોમાં ન કરી શકાય તો સપ્તાહમાં કોઈપણ વારે આ ઉપાય કરવાનો નિયમ પણ બનાવી શકાય છે.