ચાડી કરી ચાલ્યાં જશેને ત્યાં વળેલી ભીંત બોલે છે.
જીદી હતાં ધાર્યુ કરે જુઓ હઢીલી ભીંત બોલે છે.
ઈચ્છા હતી, આશા હતી તોયે અહીં ક્યાં આપણે મળતાં?
મનમાં ફરી જાગી હતી ત્યારે ડરેલી ભીંત બોલે છે.
સામે એ પુર દરિયામાં તરવૈયો બની મળવા જશે પાછાં,
ને વાયદો પૂરો એ કરતા, લ્યો નમેલી ભીંત બોલે છે.
પીડા બધી ઘોળી પી ગ્યો સાચું હતું એ ધારવાનું ને?
સાચે નશો એનો ચડ્યો આંખો નશીલી ભીંત બોલે છે.
બાંધી હતી યાદો પછી, સાથે છબી એનું વજન લાગ્યું,
ભારે હતી એ પોટલી, આજે કળેલી ભીંત બોલે છે.
રિસાવવું એનું નથી ગમતું હવે તોયે મનાવું છું.
રોજે નવી વાતો કરુંછુંને ઢળેલી ભીંત બોલે છે.
હા! પાંપણે બેસાડશે વ્હાલા હવે માની લઉં એવું?
આ લાગણીઓ પણ ખરી જાતી, ખરેલી ભીંત બોલે છે.
શ્વાસો હવે થોડા બચેલાને અહીં યમતો ઊભો સામે,
ને જીવ પાછો ત્યાં ડરી ભાગે, રડેલી ભીંત બોલે છે.
આભે છવાયેલા હતાં એ વાદળા પણ શ્યામ રંગીલા,
માધવ પછી આવ્યાં હતાં સપને, રંગીલી ભીંત બોલે છે.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૨૨/૦૧/૧૯