નામદેવજીને ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે આપ્યા હતા દર્શન
વિખ્યાત સંત નામદેવજી દક્ષિણ હૈદરાબાદમાં જન્મ્યા હતા. માતા પિતા સતત ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. તો નામદેવજી ભગવાનનું નામ સાંભળીને વિઠ્ઠલમય થઈ જતાં હતા. બાળક નામદેવ એક વાર સરળ હૃદયથી વિઠ્ઠલની પૂજા કરી અનને ભોગ માટે હાથમાં કટોરો ભરીને ભગવાનને ધર્યો. થોડી વાર આંખ બંધ કરીને ઉભા રહ્યાં. આઁખો ખોલી તો કટોરો એટલોને એટલો ભરેલો જોયો, તો નામદેવજી વિચારવા લાગ્યા કે મારી કોઈ ભૂલને કારણે ભગવાને દૂધ ન પીધું.
નામદેવજી આ જોઈને રોતાં રોતાં પ્રાર્થના કરવા લાગ્યા અને બોલવા લાગ્યા વિઠોબા.. વિઠોબા…! જો તમે આજે દૂધ નહિં પીઓ તો હું પણ જિંદગી ભર દૂધ નહિં પીવું.. તેમ કહેવા લાગ્યા. બાળક નામદેવ માટે એ મૂર્તિ ન હતી પણ સાક્ષાત પરમાત્મા પોતે હતા. જે તેના હાથનું દૂધ પીતા ન હતા. બાળકના હૃદયની સાચી પ્રાર્થના સાંભળીને ભગવાન પ્રગટ થયાં. તેમણે નામદેવના હાથથી રોજ પીતા રહ્યાં. એક વાર સંત જ્ઞાનેશ્વર મહારાજ નામદેવજી સાથે ભાગવત ચર્ચા કરતા યાત્રા પર નિકળ્યા. રસ્તામાં બંનેને તરસ લાગી. પાસે એક સુકાઈ ગયેલો કુવો હતો. સંત જ્ઞાનેશ્વરે યોદ સિદ્ધિથી કુવાની અંદર જમીનમાં જઈને પાણી પીધું. અને નામદેવજી માટે થોડું પાણી ઉપર પણ લેતા આવ્યા. નામદેવજીએ એ પાણી ન પીધું.
તેમણે કહ્યું કે શું મારા વિઠ્ઠલને મારી ચિંતા નથી. એ ક્ષણે જ કુવો પાણીથી ભરાઈ ગયો. પછી નામદેવજીએ પાણી પીધું. એક વાર નામદેવજીની કુટિયામાં આગ લાગી ગઈ પણ તે તો પ્રેમમાં મસ્ત થઈને સલગતી વસ્તુઓને પણ અગ્નિમાં ફેંકતા કહેવા લાગ્યા.. સ્વામી આજ તમે લાલ લાલ જ્વાળાઓના રૂપમાં પધાર્યા છો, પણ બાકી વસ્તુઓએ શું અપરાધ કર્યો છે કે તમે એનો સ્વીકાર નથી કરતાં. થોડી વારમાં જ આગ બુઝાઈ ગઈ.
એકવાર નામદેવજી રોટલી બનાવતા હતા. ત્યારે એક કૂતરો આવ્યો અને રોટલી ઉઠાવીને ભાગ્યો. નામદેવજી ઘીનો કટોરો હાથમાં લઈને તેમની પાછળ દોડ્યા. ભગવાન.. રોટલીઓ તો કોરી છે. ઘી ચોપડ્યું નથી. મને ઘી તો લગાવા દો. પછી પ્રેમથી આરોગો. ત્યારે ભગવાન કૂતરાનું રૂપ ત્યાગીને શંખ-ચક્ર-ગદા- પદ્મ ધારણ કર્યાં. નામદેવજીને દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપે ભગવાનના દર્શન કર્યા. નામદેવજીની ભક્તિ એટલી ઉંચી હતી કે તેમને પ્રત્યેક વસ્તુમાં ભગવાન જ દેખાતા હતા.
અહંકારથી અને ભ્રમિત બુદ્ધિથી થઈને કણ કણમાં ભગવાનના દર્શન ન કરી શકાય. ભગવાન મેળવવા માટે આપણે તેને નથી પૂજતા પણ આપણી ઈચ્છાઓની પૂર્તિ માટે ભગવાનને યાદ કરીએ છીએ. જ્યારે કોઈ અપેક્ષા વગર ભગવાનને યાદ કરવામાં આવે તો ભગવાન જરૂર પધારે છે. ત્યારે માનવીનું હૃદય પૂર્ણ પ્રેમથી ભરાઈ જાય છે.
જો તમે ઈશ્વરની ભક્તિ કરતાં હોય તો કોઈ અપેક્ષા વગર નિષ્કામ ભક્તિ કરો. ઈશ્વરને તમારી ભક્તિ સ્વીકાર્યા વગર છૂટકો નથી. પરમાત્મા એ ભાવના ભૂખ્યા છે. સાચા અંતઃકરણથી યાદ કરવામાં આવે તો તે જરૂર પ્રગટ થાય છે. તેના અનેક ઉદાહરણો ભારતીય સંતોને મળ્યાં છે.