કશું છે જે ઊલટથી ઊછળી આવે કવિતા થઈ,
ઘણાં સળવળતા પ્રશ્નો ઊકલી આવે કવિતા થઈ.
શબદની આંગળીમાં ક્યો હશે કરતબ! એ ના પૂછો,
પીડાના પર્વતોને ઊંચકી આવે કવિતા થઈ.
પ્રતિભાવો નથી આપી શકાતા જે પ્રસંગોના,
પછી કાગળ ઉપર એ ઊતરી આવે કવિતા થઈ.
બને હંમેશ એવું કે, ઝીલો જ્યાં વાર અંગતનો,
ચકામું એક જલ્દી ઊપસી આવે કવિતા થઇ.
ઉદાસી,દર્દ, સપનાં, કલ્પનો શણગાર સૌ સજતા,
જુઓ ને! જાન આખી ઊઘલી આવે કવિતા થઇ.
કદી બે-નૂર લાગે જિન્દગીનો સ્હેજ ચહેરો, ત્યાં
અચાનક તેજ કેવું ઊભરી આવે કવિતા થઈ!
: હિમલ પંડ્યા