Shri Ram Went To Vanvas Because Of King Dashrath Got A Curse
પિતાને મળેલા એક શ્રાપના કારણે શ્રીરામને જવું પડ્યું હતું વનવાસ
શ્રીરામને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો આ વાત બધાં જ જાણે છે. માતા કૈકેયીએ રાજા દશરથ પાસે વરદાન સ્વરૂપ શ્રીરામને 14 વર્ષના વનવાસ માટે મોકલવા કહ્યુ હતું. આમાં માતા કૈકેયીનો સ્વાર્થ દેખાય છે, કારણ કે કૈકેયી પોતાના પુત્ર ભરતને રાજા બનાવવા માંગતી હતીં.
શ્રીરામને વનવાસ ભોગવવું પડ્યુ તે માટે કૈકેયી નિમિત્ત માત્ર હતી, શ્રીરામને વનવાસ ભોગવવું પડ્યું તેની પાછળ મુખ્ય કારણ હતું તેમના પિતા દશરથને મળેલો એક શ્રાપ. અહીં અમે જણાવી રહ્યા છીએ તે શ્રાપ
વાલ્મીકિ રામાયણના અયોધ્યાકાંડમાં ઉલ્લેખ છે કે એક વખત રાજા દશરથ શિકાર માટે જંગલમાં ગયા. તેમને શબ્દ ભેદી બાણ ચલાવતાં આવડતું હતું. જ્યારે તે સરયૂ નદીના કિનારે ફરી રહ્યા હતાં ત્યારે તેમને દૂરથી કોઈ પશુ પાણી પીતું હોય એવો અવાજ સંભળાયો, તેમણે અવાજની દિશામાં શબ્દ ભેદી બાણ ચલાવી દીધું.
અસલમાં તે અવાજ પાણી પીવાનો નહીં પણ શ્રવણ કુમાર નદીમાંથી ઘડો ભરી રહ્યા હતાં તેનો અવાજ હતો. રાજા દશરથનું બાણ શ્રવણને લાગ્યું, દશરથ ત્યાં ગયા તો તેમણે જોયું કે એક વ્યક્તિ ઘાયલ અવસ્થામાં પડ્યો હતો.
શ્રવણ કુમારના માતા પિતા અંધ હતાં તે તેમની ખૂબ જ સેવા કરતા હતાં. માતા-પિતાની ઈચ્છા તીર્થયાત્રા કરવાની હતી પણ તેઓ અંધ અને વૃદ્ધ હતાં આ કારણથી તેઓ તીર્થયાત્રા પર જઈ શકતાં ન હતાં. ત્યારે શ્રવણ કુમારે તેમને તીર્થયાત્રા કરાવાનો નિર્ણય લીધો. શ્રવણ કુમાર તેમને કાંવડમાં બેસાડીને તીર્થયાત્રા કરાવી રહ્યો હતો, જંગલામાં તેમને તરસ લાગી એટલે શ્રવણ કુમાર પાણી ભરવા નદી કિનારે આવ્યો હતો.
શ્રવણ કુમારે બધી વાત જણાવી, આ સાંભળીને દશરથને ખૂબ જ દુઃખ થયું ત્યારે શ્રવણ કુમારે તેમને કહ્યુ કે તમે જઈને મારા માતા-પિતાને પાણી પીવડાવો અને મારા મૃત્યુના સમાચાર તેમને આપો.
રાજા દશરથે શ્રવણના માતા પિતાને પાણી પીવડાવ્યું અને આખી ઘટના અંગે જણાવ્યું, પુત્રના મૃત્યુના સમાચાર સાંભળી તેઓ ખૂબ દુઃખી થયા, પુત્રના દુઃખમાં તેમણે પણ દેહત્યાગ કર્યો, મરતાં પહેલાં તેમણે રાજા દશરથને શ્રાપ આપ્યો કે જે રીતે પુત્રના દુઃખમાં અમારું મૃત્યુ થઈ રહ્યુ છે એવી જ રીતે તમને પણ પુત્રના વિયોગનું દુઃખ ભોગવવું પડશે અને પુત્રના વિયોગના કારણે જ તમારું મૃત્યુ થશે.
આ એક શ્રાપના કારણે શ્રીરામને વનવાસ ભોગવવું પડ્યુ હતું અને રાજા દશરથ શ્રીરામના વિયોગથી ખૂબ જ દુઃખી થયા હતાં, પુત્ર વિયોગના દુઃખમાં તેમનું મૃત્યુ થયુ હતું.