જ્યોતિષી......... દિનેશ પરમાર નજર
_____________________________________________
મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ આવતી ટ્રેનમાં આણંદથી રાકેશ ચઢયો. ને દરવાજા પાસે ના કંપાર્ટમેન્ટની ખાલી શીટમાં તે ગોઠવાયો...
અચાનક બેઠા પછી તેનું ધ્યાન સામેની શીટ પર બેઠેલા મિત્ર ચંદ્રેશ ઠાકર પર ગયું જે વકીલાત કરે છે.
"અરે! ચંદ્રેશ તું...? ક્યાંથી આવી રહ્યો છે ?"
બાજુમાં બેઠેલા ભાઈ તરફ ઈશારો કરી ચંદ્રેશ બોલ્યો, "હું તને ઓળખાણ કરાવું. આ મારા મિત્ર ગિરીશચંદ્ર તેમના કામ થી વડોદરા ગયો હતો." પેલા ભાઈ રાકેશ સામે જોઈ હસ્યા. રાકેશે પણ સામે હસ્યો.
એટલામાં તે ભાઈના મોબાઈલમાં રીંગ વાગતા ઉઠીને કંપાર્ટમેન્ટને અડીને આવેલા દરવાજા પાસે ગયા ને મોટે મોટેથી વાતો કરવા લાગ્યા.
મેં પ્રશ્નાર્થ ચહેરે ચંદ્રેશ સામે જોયું." આ મિત્રના પત્નીએ ફેમિલી કોર્ટે માં છુટાછેડાનો કેસ કર્યો છે, એના કામે ગયેલા, વાત પરથી લાગે છે તેના સાળાનો ફોન લાગે છે." ચંદ્રેશ બોલ્યો.
અમદાવાદ આવતા, વાતો કરતાં કરતાં કાલુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા.
" ચાલ, પછી મળીએ. "કહેતા રાકેશે, ચંદ્રેશ અને પછી તેની સાથે હતા તે ગિરીશ સાથે હાથ મિલાવતા, ગિરીશે હસતાં હસતાં છૂટા પડતા, પોતાનું કાર્ડ આપતા કહ્યું, "કોઈ પણ કામ હોય તો કહેજો. અને છૂટા પડ્યા.
રીક્ષામાં બેસતાજ રાકેશે કાર્ડ વાંચ્યું ને વાંચતા જ ખડખડાટ હસવા લાગ્યો. કાર્ડમાં લખ્યું હતું.....
" ગિરીશ ચંદ્ર, જ્યોતિષઆચાર્ય (ગોલ્ડ મેડાલિસ્ટ)
ધારેલી વ્યક્તિ સાથે મિલન, પરદેશ જવામાં આવતી સમસ્યાનું નિરાકરણ, પ્રેમી વશિકરણ, લગ્નમાં રૂકાવટ, દારૂ છોડાવવો, પતિ પત્ની વચ્ચે ના અણબનાવો વિગેરેનો તાત્કાલિક ને સો ટકા સચોટ ઉપાય કરી આપવામાં આવે છે.
*************************************************