ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !
તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.
સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !
જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તાં કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં.
કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈને રોકાયા !
તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને, હજી સુધી ન સમજાયા !
હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.
– ‘કાયમ’ હઝારી