લગ્નોત્સવ :
(૨૨)
વહુને ભાવે કોફી ને સાસુને ભાવે ચા
પસંદઅપની અપની એમાં અકળાવાનું ક્યાં ?
છોડવી પડશે વહુને કોફી, ભૂલે ન સાસુ ચા
એવી જીદથી અળગાં રહેવું, સાચી સમજણ આ.
સાસુ છોડે ચા, અપનાવે વહુને ગમતી કોફી
એવો આગ્રહ પણ ખોટો છે,વાત નથી કૈં મોટી
સાથે બેસી બંને પીએ કોફી સાથે ચા.
એમાં અકળાવાનું ક્યાં ?
ઉછેર જૂદો, ટેવો જૂદી, જૂદા હશે વિચાર
જૂદાં જૂદાં ફૂલ મળે ત્યાં સુગંધનો વિસ્તાર
સાસુ વહુની જૂગલબંધીનો ગૂંજી રહેશે સા .
ભાષા છોને જૂદી, મનના ભાવનો મહિમા સાચો
શબ્દોમાં અટવાવું ભૂલી, મનની ભીતર વાંચો
હોય કોઇની આદત , હા નીપહેલાં કહેતાં ના !
એમાં અકળાવાનું ક્યાં ?
- તુષાર શુક્લ
(