ખુશનુમા વ્હેતી હવા છે ચોતરફ.
દર્દ ની મીઠી દવા છે ચોતરફ.
એ નગર છે એ જ રસ્તા છે બધે,
પણ નજારા આ નવા છે ચોતરફ.
એકસરખી છે હવા સૌ શ્વાસમાં,
શ્વાસ કિંતુ આગવા છે ચોતરફ.
છે કમાલો રોજની ઘટમાળ માં,
કરતબો આ અવનવા છે ચોતરફ.
જિંદગીભર જિંદગી તરસી રહી ,
ઝંખના નાં ઝાંઝવાં છે ચોતરફ.
નામ એનું એટલે છે જિંદગી,
દર્દ માં છૂપી દવા છે ચોતરફ.
- "સમય"