ભગવાનના નામે ભવ બગાડતા જોઉં છું.
વિચારવાની આળસને છુપાવવા તેને શ્રદ્ધાનું નામ આપીને ખુદને છેતરતા જોઉં છું.
પ્રકાશને છોડીને પથ્થરને સાચવતાં જોઉં છું ,
ત્યારે એમ થાય છે કે ના આ જ્ઞાન તો નથી જ.
આ તો કેવું જ્ઞાન છે જે અનંત નહી અંત શીખવાડે છે,
ક્યાથી આવ્યું આ જ્ઞાન જે શોધ નહી મોજ શીખવાડે છે,
વિચિત્રછે આજનું આ જ્ઞાન જે અધોગતિને પ્રગતિ કહીને જીવાડે છે,
આ તો કેવું જ્ઞાન જે પ્રેમના નામે સ્વાર્થ અને વાસના ને છુપાવતાં શીખવાડે છે.
હા, આ જ જ્ઞાન ઉપવાસનું નામ આપીને અનશન કરતા શીખવાડે છે,
અસ્તિત્વ(જીવન) ના સત્યને ભય બનાવીને તેનાથી ભાગતા શીખવાડે છે,
ભયાનક છે આ જ્ઞાન જે બંધ કે ખુલ્લી આંખે બસ સુતાં જ શીખવાડે છે,
જરૂર છે ભુલવાની અને આ જ્ઞાન યાદ રાખતાં શીખવાડે છે.
સમજવું પડશે, કેમકે આજનું આ વગર અનુભૂતિનું જ્ઞાન સવાલ નહીં બસ જવાબ જ આપતાં શીખવાડે છે.
વગર માગ્યે આપી દીધેલા આ ઉધારીના લેબલ(ચિરાગ)ને જ વધારતાં શીખવાડે છે.
આખી જિંદગી ફક્ત આ લેબલની પ્રસિદ્ધીને વધારવા કરેલા દરેક કર્મોના ફળને મારી સફળતા કહેવડાવે છે.
ના, આ જ્ઞાન તો નથી જ.
આને શું નામ આપું એ તો નથી ખબર, પણ દોસ્ત આ જ્ઞાન તો નથી જ.
કદાચ જ્ઞાનની પાછળ છૂપાયેલું, સત્યની પાછળ છૂપાયેલું
- આ જ મોટું અજ્ઞાન હોય, આ જ મોટું અસત્ય હોય.
- ચિરાગ કાકડિયા