બધું સારું જ બનતું હોત તો કેવી મજા પડતે,
ગમ્યું તત્કાલ મળતું હોત તો કેવી મજા પડતે.
ફિકર આખા જગતની હું કરું છું એજ સમજણથી
જો મારી કો'ક કરતું હોત તો કેવી મજા પડતે.
લખાવીને છો બાળક આવતું હો આજીવન પીડા,
જનમતાં વેંત હસતું હોત તો કેવી મજા પડતે.
જે સપનું આવતાં સૌભાગ્યવંતી રાત થઈ જાતી,
દિવસ ઊગ્યે એ ફળતું હોત તો કેવી મજા પડતે.
ગઝલકારો તરીકે ઓળખાતી ભીડમાંથી જો,
ગઝલ એકાદ લખતું હોત તો કેવી મજા પડતે.
~~ હેમાંગ નાયક ~~