કંઈક ખૂટે છે...
લાગે છે કે, કંઈક તો ખૂટે છે.
આમ તો રોજ સવાર તો પડે છે,
પણ એ સવારને સુંદર બનાવાનું કારણ ખૂટે છે.
રોજ સવારે કોફી ની મજા તો લેવાય છે,
પણ એ કોફી ને થોડી વધારે માણી લેવાનું કારણ ખૂટે છે.
આમ તો રોજ કામ પણ બહુ હોય છે,
પણ એ કામની વ્યસ્તતામાં થોડો સમય નિકાળી જીંદગીને માણી લેવાનું કારણ ખૂટે છે.
રોજ ઘેરથી ઓફીસ જતી વેળા ગાડીમાં વાગતા મધૂર ગીતોને સાંભળવાની મજા આવે છે,
પણ એ ગીતો ડેડીકેટ કરવાનું કારણ ખૂટે છે.
આમ તો દર કલાકે ને કલાકે ચેક કરાય છે,
પણ મોબાઈલને વારંવાર ખોલીને ચેક કરવાનું સ્પેશ્યલ કારણ ખૂટે છે.
દર રજાના દિવસે આરામમાં દિવસ જતો રહે છે,
પણ એ દિવસને નવા અનુભવોથી રોમાંચક બનાવાનું કારણ ખૂટે છે.
આમ તો રોજ સાંજે ટહેલવા નીકળાય છે,
પણ એ શીતળ સાંજની શીતળતા માં મન ભરીને માણી લેવાનું કારણ ખૂટે છે.
દરરોજ ઊંઘ તો તરત જ આવી જાય છે,
પણ ઊંઘ પહેલા આવતા વિચારોના વાવાઝોડાને રોકવાનું કારણ ખૂટે છે.
આમ તો ખૂબ મજાથી જીવાય છે જીંદગી,
પણ તેમાં આવતી ખૂશીની નાની નાની પળોને માણી લેવાના ઉત્સાહનું કારણ ખૂટે છે.
ઘણા દિવસોના વિચાર-વિમર્શ પછી લાગ્યું કે જે કંઈ કારણ ખૂટે છે એ બીજું કંઈ નહી,
બસ, ‘હું’ ની સાથે ‘તું’ જાેડાવાનું બાકી રહયાનું કારણ ખૂટે છે.