એક પંખીનું એ પીંછું બસ, ખર્યાની વાત છે,
એ પછી પર્ણો બધાં ટહુકો થયાની વાત છે.
ધૂળ બાઝેલી ક્ષણો લૈ ઘર તો બેઠું ઓટલે,
લ્હેર એકાદી પવનની લાવવાની વાત છે.
એક કુંભારે હજી એ ઠામ પાકું ના કર્યું,
વાદળી આવીને ત્યાં વરસી ગયાની વાત છે.
ઝાડનું એ થડ પછી તો બહુ મુલાયમ થઈ ગયું,
કાફલો કીડીનો ધીરેથી વહ્યાની વાત છે.
ચાદરો પર સળ ઘણીયે એ સવારે જે હતી,
રાત આખી એક શમણું સળવળ્યાની વાત છે.
ઓરડાનું દ્વાર આજે સ્હેજ ખુલ્લુ રહી ગયું,
પાંદડું દોડીને ઘરમાં જઇ ચઢ્યાની વાત છે.
છે બિલાડીનું જરા સાબૂત એ માતાપણું,
ચારમાંથી એક બચ્ચુ જીવી ’ગ્યાની વાત છે.
ભર ઉનાળે ઘૃષ્ટ તડકાને જરા અટકાવવા,
ઝૂંપડીની ભીંત પર ડૂચા મુક્યાની વાત છે.
આમ તો કૈં કેટલાયે જન્મ હું જીવી ગયો,
આ વખત બહુ આકરી તમને મળ્યાની વાત છે.
-Saket Dave... :)